સદરમાં ભેદી ઘટના: પાવર સપ્લાય બંધ છતાં વીજશોકથી PGVCLના કર્મીનું મોત
એક સિનેમાના જનરેટરનો પાવર 11 કે.વી. લાઇનમાં ચડી જતા ભોગ લેવાયો ?, વીજ કંપની અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી
હાલ ઘટના અંગે તપાસ ચાલુ છે, ફાઇનલ રિપોર્ટ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવશું: પીજીવીસીએલ અધિકારી
શહેરના સદર બજારમાં મોડી રાત્રે વિજ ફોલ્ટની ફરિયાદ આવતાં વિજ ટ્રાન્સફોર્મર રીપેર કરવા બીજા કર્મચારીઓ સાથે પહોંચેલા પીજીવીસીએલના લાઇનમેન યુવાનને એકાએક કરંટ ચાલુ થઇ જતાં ઝાટકો લાગતાં બેભાન થઇ પડી ગયા હતાં. તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં, સાથી કર્મચારીઓમાં કલ્પાંત સર્જાયો હતો. આ ઘટના મામલે પ્રનગર પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા ઘટના કઇ રીતે બની ? એ અંગે વિશેષ તપાસ ચલાવી રહી છે.
જાણવા મળ્યા મુજબ પોપટપરા રઘુનંદન સોસાયટી-1માં રહેતાં નરેન્દ્રભાઇ ગોવિંદભાઇ જાદવ (ઉ.વ.41) રાતે પોતાની નોકરી પર હોઇ સદર બજારમાં ભારત ફ્રુટ ગોડાઉન પાસે વિજ ફોલ્ટની ફરિયાદ મળતાં બીજા કર્મચારીઓ સાથે તેઓ ત્યાં ગયા હતાં. પાવર સપ્લાય બંધ કરી ટ્રાન્સફોર્મમાં ફોલ્ટ હોઇ તે રીપેર કરવા તજવીજ કરી હતી તે વખતે અચાનક જ પાવર સપ્લાય ચાલુ થઇ જતાં તેને જોરદાર કરંટ લાગતાં ફેંકાઇ ગયા હતાં. બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, અશ્વિનભાઇ રાઠોડ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર નરેન્દ્રભાઇ જાદવ પરિવારના એકના એક પુત્ર હતાં આ ઘટના મામલે હાલ પ્રનગર પોલીસ મથકના પીઆઇ વસાવાની રાહબરીમા પીએસઆઇ બી. વી. બોરીસાગર તપાસ ચલાવી રહયા છે. પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ કે મૃતક નરેન્દ્રભાઇ જાદવ છેલ્લા આઠેક વર્ષથી પીજીવીસીએલ કંપનીમા હેલ્પર તરીકે પોતાની ફરજ બજાવી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. તેમજ તેમના પિતા નિવૃત રેલવે કર્મચારી હતા જેઓનુ થોડા સમય પહેલા અવસાન થયુ હતુ. મૃતક નરેન્દ્રભાઇ પરીવારમા એકના એક સંતાન હતા હાલ તેઓ તેમના માતા, પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા તેમના મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે.
આ સમગ્ર અકસ્માતની ઘટનામા પીજીવીસીએલના રાજકોટ સિટી 2 ડીવીઝનના એકઝીકયુટીવ એન્જીનીયર પટેલે વાતચીતમા જણાવ્યુ હતુ કે ટીસીમા ફોલ્ટ સર્જાતા અમારી પીજીવીસીએલની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સૌપ્રથમ વિસ્તારનુ પાવર કટ કર્યો હતો. ત્યારબાદ પીજીવીએલમા ફરજ બજાવતા હેલ્પર નરેન્દ્રભાઇ ટીસી પર ચડી લાઇન ચેકીંગ અને કયા ફોલ્ટ છે ? તેની ચકાસણી કરી રહયા હતા. તેવામા અચાનક ઝાટકો લાગતા તેઓ નીચે પટકાયા હતા અને તેમને તુરંત હોસ્પીટલે લઇ જવાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનામા અમારી પીજીવીસીએલની ટીમે તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે નરેન્દ્રભાઇ ટીસી પર તપાસ કરી રહયા હતા ત્યારે એચટી લાઇનમા પાવર રીટર્ન થયો હતો જે પાવર કોઇ જનરેટરમાથી આવ્યો હતો તેમજ જયા ઘટના બની ત્યા નજીકમા આર વર્લ્ડ સીનેમા આવી છે ત્યા એચટી લાઇનની સાથે તેમનો જનરેટર સેટ આવેલો છે. ત્યાથી પાવર રીટર્ન થયો હોય તેવી પુરેપરી શંકા છે આ ઘટના મામલે હાલ અમારી તપાસ ચાલુ છે જે પણ જનરેટમાથી પાવર રીટર્ન થયો હશે તેમની સામે પોલીસ મથકમા ગુનો નોંધવામા આવશે.
આ ઘટના મામલે પીજીવીસીએલના અધીકારીઓ અને ઇજનેરો ઘટના કઇ રીતે બની તે અંગે સ્થળ તપાસે પહોંચ્યા હતા તેમજ આજુબાજુમા આવેલા જનરેટર અંગે પણ તપાસ કરી હતી.