યુવતીએ વાત કરવાનું બંધ કરી દેતા પ્રેમી એરગન લઇ ઘરે પહોંચ્યો, આપી ધમકી
યુવતીએ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ: અગાઉ પણ શખ્સે ઝઘડો કર્યો હતો
વડવા વિસ્તારમાં રહેતી યુવતીના ઘરે જઇ એક શખ્સે એરગન બતાવી યુવતી તેમજ તેના કાકા અને કાકીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ બનાવ અંગે નિલમબાગ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તે લેબર કોન્ટ્રાક્ટર છે અને તેમના પત્નિ સાડીનો વેપાર કરે છે. તેમના ભાઇને પાંચ દિકરી છે અને પાંચ દિકરી પૈકીની એક દિકરી તેમની સાથે જ રહે છે અને કાકીને વેપારમાં મદદ કરે છે. ફરિયાદીની ભત્રીજી અગાઉ હિતેશ નામના શખ્સ સાથે વાતચિત કરતી હતી. જો કે, ત્યાર બાદ તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આજે બપોરના સમયે ફરિયાદીની પત્નિ અને ભત્રીજી ઘરે હતા ત્યારે હિતેશ હરેશભાઇ પરમાર (રહે.કમળેજ)નામનો શખ્સ આવ્યો હતો અને તેણે ઝઘડો કર્યો હતો.
આ બાબતની જાણ થતાં ફરિયાદી સિહોરથી ભાવનગર પરત આવ્યાં હતા અને તે સમયે હિતેશ પરમાર તેમના ઘરે જ હતો અને તેણે ફરિયાદીને પણ ગાળો આપી હતી અને ત્યાર બાદ એરગન લઇને આવેલા આ શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નિલમબાગ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.