વાંકાનેરના સિરામિકના કારખાનામાં ચોકિદારનું ઈજાગ્રસ્ત હાલતમાં મોત : હત્યાની શંકા
વાંકાનેર નજીક આવેલા સિરામીકના કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય યુવાનનું ઈજાગ્રસ્ત હાલતમાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યાની શંકાના આધારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતકનું ફોરેન્સીક પી.એમ. કરાવતાં તેને માથાના ભાગે ઈજા થવાથી મોત થયાનું ખુલ્યું હતું. જો કે આ ઈજા પડી જવાથી થઈ કે કોઈએ માર મારી હત્યા નિપજાવી ? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ વાંકાનેર નજીક રાતિવીરડા રોડ પર વરમોરા સિરામીક નામના કારખાનામં ચોકીદાર તરીકે નોકરી કરતાં સદાશિવ ચંદુસિંગ મેવાડા (ઉ.32) નામના યુવાનનુ ગત તા.31-7નાં વરમોરા સિરામીકની બંધ પડેલી સિકયોરિટી ઓફિસમાંથી ઈજાગ્રસ્તા હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકને માથાના ભાગે ઈજા થઈ હોવાની હત્યાની શંકા સાથે મૃતકનું ફોરેન્સીક પીએમ કરાવવા મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પી.એમ.રિપોર્ટમાં મૃતકને માથાના ભાગે ઈજા થવાથી તેનું મોત થયાનું જાણવા મળ્યું હતું. જો કે તબીબોએ જણાવ્યું હતું કે, ઈજા પડી જવાથી પણ થઈ શકે છે. જેથી પોલીસે યુવાનનું મોત પડી જવાથી થયું કે કોઈએ માર માર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ મૃતક યુવાનને મારૂતિ સિરામીક નામના કારખાનામાં માર મારવામાં આવ્યો હોય અને ત્યારબાદ વરમોરા સિરામીકની સિકયોરિટીમાં ફેંક દેવામાં આવ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.