For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેશનિંગના વેપારીઓની મિનિમમ 20 હજાર કમિશનની માંગ સ્વીકારાઈ : પરિપત્ર જાહેર થશે

11:50 AM Dec 14, 2023 IST | Sejal barot
રેશનિંગના વેપારીઓની મિનિમમ 20 હજાર કમિશનની માંગ સ્વીકારાઈ   પરિપત્ર જાહેર થશે

રાજ્યમાં રેશનીંગના વેપારીઓએ મીનીમમ કમિશન 20 હજારની માંગણી સાથે બે વખત હડતાલ કર્યા બાદ અંતે ગઈકાલે રાજ્ય સરકારે રેશનીંગના વેપારીઓની માંગ સ્વિકારીને જે વેપારીઓને 20 હજારથી ઓછી આવક થતી હોય તેઓને મીનીમમ 20 હજાર કમિશન આપવાની જાહેરાત કરી છે અને આ અંગેનો પરિપત્ર ટૂંક સમયમાં જ જાહેર કરી દેવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરની 17 હજારથી વધુ રેશનીંગના દુકાનદારોએ સાતમ આઠમના તહેવાર અને દિવાળીના તહેવાર ઉપર રેશનીંગનો જથ્થો નહીં ઉપાડી દુકાનો બંધ રાખી હડતાલ પર ઉતરી ગયા હતાં. બબ્બે વખત તહેવાર ટાણે જ રેશનીંગના વેપારીઓએ સરકારનું નાક દબાવ્યું હતું જેના કારણે ગરીબોને તહેવાર ઉપર રાહતભાવે તેલ, ખાંડ, ચોખા સહિતનો રેશનીંગનો જથ્થો મળી શકયો ન હતો.
રેશનીંગના વેપારીઓની બબ્બે વખતની હડતાલ બાદ રાજ્ય સરકારે દિવાળી ટાણે માંગ સ્વિકારી લેવાની ખાતરી આપ્યા બાદ હડતાલ સમેટી લેવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને રેશનીંગના વેપારીના બન્ને એસોસીએશનના હોદ્ધેદારોની બેઠક મળી હતી.
આ બેઠકમાં જે રેશનીંગના વેપારીઓને 20 હજાર રૂપિયાની આવક થતી ન હોય તેઓને મીનીમમ 20 હજાર કમિશન ચુકવવું તેવી માંગ સ્વિકારી લેવામાં આવી છે અને આ અંગેનો પરિપત્ર એકાદ સપ્તાહમાં જાહેર કરી દેવામાં આવશે અને નાણામંત્રાલયને પણ આ અંગે જાણ કરી દેવામાં આવશે.
આ તકે રેશનીંગ વેપારી એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ માહિતી આપતાં જણાવ્યું હતુ કે, રેશનીંગના વેપારીઓની ઘણા લાંબા સમયથી ચાલતી લડતનો સુખદ અંત આવ્યો છે અને આ મોંઘવારી વચ્ચે રેશનીંગના વેપારીઓને મીનીમમ 20 હજાર કમિશન મળવાથી તેઓના પરિવારનું ગુજરાન ચાલી શકશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement