ધ્રાંગધ્રામાં બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો
ધ્રાંગધ્રા તાલુકાના કુડા રોડ ઉપર આવેલા બાલા હનુમાનજી મંદિરના મહંતની દોઢ માસ પૂર્વે દાગીનાની લૂંટ કરી હત્યા કરાઈ હતી. જે ગુનાનો ભેદ ઉકેલવા માટે એસપી દ્વારા ત્રણ ટીમની રચના કયાં બાદ મંદિરની આજુબાજુ વિસ્તારના હાઈવેના સીસીટીવી ફૂટેજ અને અન્ય વિસ્તારમાંથી આવેલા મજૂરોની પુછપરછ બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હત્યાનો ભેદ ઉકેલી ચારમાંથી બે આરોપીને ઝડપી ફરાર બેની શોધખોળ આદરી છે.
થોડા વર્ષો અગાઉં ધ્રાંગધ્રા તાલુકાના ધુમઠ ગામ અને પ્રુમઠ- દુદાપુર ગામ વચ્ચેના દ્રોપદી કુંડ નજીકના મંદિરના મહંતની પણ હત્યા થઈ હતી. ત્યારબાદ દોઢ મહીના પહેલા કુડા રોડ ઉપર આવેલા બાલા હનુમાન મંદિરના મહંતની રાત્રે દાગીનાની લૂંટ ચલાવી હત્યા નીપજાવી હતી અને સાથેના સેવાદારને પણ માર મારી ઇજા પહોંચાડી હતી. આ ઘટનાની જાણ થતાની સાથે જ એસપી ગીરીશ પંડયા સહિતની પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.પરંતુ મંદિરમાં કે આજુબાજુમાં કયાય સીસીટીવીના કેમેરા ન હોવાના કારણે પોલીસને હત્યાનો ભેદ ઉકેલવો ખુબ મુશ્કેલ હતો.સેવાદારની પુછપરછમાં માત્ર ચાર હિન્દી-ગુજરાતી બોલતા અજાણ્યા શખ્સો હોવાની જ પોલીસ પાસે માહીતી હતી.ત્યારબાદ એસપીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જે.ડી.પુરોહીતે સીટની રચના કરી
જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એસઓજી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ત્રણ અલગ અલગ ટીમ બનાવી પોલીસે મંદિરની નજીકના હાઇવે ઉપરના સીસીટીવી કેમેરા,મંદિરની આજુબાજુના 25 કિલોમીટર સીમના ખેતીવાડી વિસ્તારમાં કામ કરતા મજૂરો ફેકટરીઓના હિન્દી ભાષી લોકોનીપુછપરછ હાથ ધરી હતી.
ત્યાર બાદ ડીવાયએસપી પુરોહીતને બાતમી મળી હતી કે કુડા વિસ્તારની પરાક્રમસિંહની વાડીના મજૂરોએ મળી હત્યાનો ગુનો આચરેલ છે. બાતમીના આધારે એલ.સી.બી.એસ.ઓ.જી.ની ટીમો બનાવી પ્રાંગધ્રા તાલુકા પી.આઈ. આર. જે. જાડેજા અને એસ.એન.જાડેજાએ વાડીએ જઈ બે શખ્સોને રાઉન્ડઅપ કરી પોલીસ સ્ટેશન લઈ જઈ પુછપરછ કરતા તેઓનું નામ સુમલા ઉર્ફે મનીયા ડામોર અને વિપુલ અરવિંદભાઇ પરમારા(બંને હાલ રહે.કુડા વિસ્તાર સીમમાં પરાક્રમસિંહની વાડી, મુળ ગામ પાનમ ફળીયા, પોસ્ટ વાટ, જિ. દાહોદ) હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.મહંતની હત્યાનો બીજા બે શખ્સો સાથે મળીને ગુનો કર્યાનુ કબૂલાત કરતા બંનેની ધરપકડ કરી બીજા બે ફરાર શખ્સોની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.