સુરેન્દ્રનગરમાં કાલે કોંગ્રેસની રેલી, પોલીસ રોકે તો ઉગ્ર લડતની ચીમકી
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદમાં ખેતરોમાં પાકને નુકશાની થઇ છે. જેના વળતર માટે સરવે થઇ રહ્યા છે, તેની સામે જિલ્લા કોંગ્રેસ સમિતિએ સવાલો ઉઠાવ્યા છે. જ્યારે આવતીકાલ 17 સપ્ટેબરના રોજ રેલી યોજી ખેડૂતોના વળતરની માંગ કરવાનુ આયોજન કરાયુ હતુ. જે અંગે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્રોશ સાથે જણાવ્યું કે, કલેકટર કચેરી કોઈના બાપની જાગીર નથી કે અમને જતા રોકી શકે,ભલે અમારી ધરપકડ કરે પણ અમે ખેડૂતો સાથે રજૂઆત કરવા જઈશું.
રાજ્યમાં જન્માષ્ટમી દરમિયાન થયેલા ભારે વરસાદમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ થયો હતો.જેમાં હાલ રાજ્ય સરકાર અને ખેતીવાડી સહિત ટીમો સરવેની કામગીરી હાથ ધરાઇ છે.પરંતુ ધીમી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે ખેડૂતોના પ્રશ્ને લડવા જિલ્લા કોંગ્રેસ સમિતિએ આયોજન માટે એક મેરોથોન બેઠક કરી હતી.જેમા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઇ સોલંકીએ સવાલો ઉઠાવતા આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે,સમગ્ર જિલ્લામાં લગભગ લણવાની સ્થિતિએ પાક આવી ગયો હતો. પણ તાજેતરમાં થયેલી અતિવૃષ્ટીમાં સુરેન્દ્રનગરના ખેડૂતો તમામ તાલુકામાં મોટાપાયે નુકશાન થયુ છે.
અઠવાડીયામાં તડકો નિકળ્યા બાદ ખેડૂતો પોતાના ખેતર સાફ કરી સરખા કરી દેશે,ત્યારે આ સરવેની ટીમ જશે તો ત્યારે કોઇ જ નુકશાન દેખાશે નહીં.અને કોઇ ખેડૂતોને વળતરનો લાભ મળે તેવી શક્યતા નથી.આથી અમો 17 સપ્ટેબરે મંગળવારે રેલી યોજી અતિવૃષ્ટીગ્રસ્ત જિલ્લો જાહેર કરી વળતર ચુકવવા માંગ કરીશુ.કલેકટર કચેરીએ અમે જઇશુ, અમને અટકાવવા સરકારને જે કરવુ હોય તે કરે અમે ખેડૂતો માટે લડીશુ.કલેકટર કચેરી કોઈના બાપની જાગીર નથી કે અમને જતા રોકી શકે,ભલે અમારી ધરપકડ કરે પણ અમે ખેડૂતો સાથે રજૂઆત કરવા જઈશું.