ચોટીલાના દેવપરામાં ઝેરી દવા પી લેનાર સગીરાએ દમ તોડ્યો
ચોટીલાના દેવપરા-નવાગામમાં રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. સગીરાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના દેવપરા-નવાગામમાં રહેતી કૈલાશબેન લાખાભાઈ ઓળકીયા નામની 17 વર્ષની સગીરા બાર દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે કમળાપુર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે મોલડી પોલીસે સગીરાના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રાના કોઢ ગામે રહેતો મુસ્તક મજીદભાઈ મુલતાણી નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે સવારના અગીયારેક વાગ્યાના અરસામાં ભૂલથી ઝેરી દવા પી ગયો હતો. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ધ્રાગધ્રા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે ધ્રાંગધ્રા પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.