જોરાવરનગર નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી નર્સનો આપઘાત
જોરાવરનગરની સવા આયુષ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી બોટાદ ગ્રામ્યની યુવતીએ સોમવારે રાત્રે પીજીએનએમએસ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે જ રેલવે ટ્રેક પર ધસમસતી આવતી ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની પોલીસને ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેનના ડ્રાઈવરે આપેલી માહિતી મુજબ ટ્રેન આવતા સમયે યુવતી રેલવે ટ્રેક પર સુઈ ગઈ હતી. હાલ પોલીસે યુવતીના મોબાઈલની કોલ ડીટેઈલ મંગાવી છે. જે આવ્યા બાદ મહત્વની કડીઓ ખુલે તેવી પોલીસને આશા છે.
જોરાવરનગરની સવા આયુષ હોસ્પિટલમાં છેલ્લા દોઢ માસથી જ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામની 22 વર્ષીય આશાબેન હમીરભાઈ જાદવ નર્સ તરીકે ફરજ બજાવતી હતી અને હોસ્પિટલના સ્ટાફ હોસ્ટેલમાં જ રહેતી હતી. સોમવારે તા. 18મીના રોજ રાત્રે 11 કલાકના અરસામાં જોરાવરનગરની પીજીએનએમએસ ગર્લ્સ સ્કુલ પાસે આવેલા રેલવે ટ્રેક પર ધસમસતી પસાર થતી ટ્રેન નીચે આશાબેને પડતુ મુકી જીવન ટુંકાવી લીધુ હતુ. બીજી તરફ પોલીસને મળેલા યુવતીના મોબાઈલની તપાસ હાથ ધરાઈ છે. જેમાં મોબાઈલ કંપની પાસેથી કોલ ડિટેઈલ પણ મંગાવાઈ હોવાનું તપાસ અધિકારી મુળજીભાઈ મકવાણાએ જણાવ્યુ હતુ. આશાબેનના મોબાઈલની કોલ ડિટેઈલ આવ્યા બાદ દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે તેમ હાલ પોલીસ માની રહી છે. તેની પાસેથી મળી આવેલો મોબાઈલ લોક હોવાથી ખોલી શકાયો ન હતો. આથી તેનું સીમકાર્ડ કાઢી અન્ય મોબાઈલમાં નાંખી નંબર ચેક કરાયો હતો. આ નંબરની તપાસ કરતા તેની સાથે મોબાઈલ કંપનીમાં અલ્ટરનેટ નંબર પર કોલ કરાતા તે આશાના પિતા હમીરભાઈ જાદવે ઉપાડતા મૃતક યુવતીની ઓળખ થઈ હતી.