આશાવર્કરોનું શોષણ બંધ કરો : માનદ વેતન ચૂકવો
પગાર વધારાની માગણી સાથે રાજકોટ જિલ્લાની અસંખ્ય આશાવર્કરોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આવેદન પાઠવ્યું : જો પગાર વધારો નહીં થાય તો હડતાળની ચીમકી
રાજકોટ સહિત રાજ્યભરમાં આશાવર્કરો પાસેથી અનેક કામ લેવામાં આવે છે અને તેના બદલામાં મામુલી વેતન ચુકવી શોષણ કરવામાં આવતું હોય આવી કાળઝાળ મોંઘવારીમાં આશા વર્કરોનું પુરૂ થતું ન હોય છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માંગણી સાથે આશા વર્કરો આંદોલન ચલાવી રહ્યાં છે ત્યારે ભારતીય મજદૂર સંઘ અને ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી આશાવર્કરોનું શોષણ બંધ કરો અને માનદ વેતન ચુકવો તેવી રજૂઆત કરી હતી અને જો પગાર વધારો નહીં કરવામાં આવે તો હડતાલની પણ ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા આજે જુદા જુદા 14 પ્રશ્ર્ને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં મુખ્ય માંગણી પગાર વધારાની કરવામાં આવી હતી. આશા વર્કરો પાસેથી મેલેરીયા, ચાંદીપુરા વાયરસ, વેકસીન, રજીસ્ટર નિભાવવા, જન્મ-મરણ સહિતની તમામ કામગીરીઓ કરાવવામાં આવે છે પરંતુ તેમના બદલામાં મામુલી વેતન ચુકવવામાં આવે છે. આજની આ કાળઝાળ મોંઘવારીમાં મામુલી વેતનથી પરિવારનું પુરૂ થતું ન હોય પગાર વધારાની માંગણી કરવામાં આવી હતી.
આશા વર્કરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાકીદે પગાર વધારો કરી આપવા માંગણી કરી છે અને જો પગાર વધારો કરવામાં નહીં આવે તો હડતાલની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત આશા વર્કરોને પીએમજેવાયનું ઈન્સેટીવનું ચુકવણુ આજ સુધી કરવામાં આવ્યું નથી તે ચુકવણું કરવામાં આવે દર માસના અંતે તમામ ચુકવણા સમયસર કરવામાં આવે ઈન્સેટીવ 50 ટકા તથા 2500ના વધારાનું ચુકવણુ મહિનાના અંતે એક સાથે કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવી, તેમજ આશા બહેનોને ઓછામાં ઓછું દર મહિને 18 હજાર વેતન ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.