WPL, સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગથી RCB ની શાનદાર જીત
મહિલા પ્રીમિયર લીગ 2025ની ચોથી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સ સામે એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં RCB કેપ્ટન સ્મૃતિ મંધાના તેની ટીમ માટે સૌથી મોટી મેચ વિનર સાબિત થઈ, તેણીએ તોફાની અડધી સદી ફટકારી હતી.
બંને ટીમો વચ્ચેની આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ સાથે, દિલ્હીને સિઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો. દિલ્હીએ પોતાની છેલ્લી મેચ જીતી હતી. દરમિયાન, ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી જીત નોંધાવી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, સ્મૃતિ મંધાનાનો આ નિર્ણય સાચો સાબિત થયો. રેણુકા ઠાકુરે મેચની પહેલી જ ઓવરમાં શેફાલી વર્માને પેવેલિયન મોકલી દીધી. આ પછી દિલ્હીએ સાતમી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી દીધી અને પછી કોઈ પણ બેટ્સમેન ઈનિંગ સંભાળી શક્યો નહીં. દિલ્હીની ટીમ 19.3 ઓવરમાં 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જેમીમા રોડ્રિગ્સે સૌથી વધુ 34 રન બનાવ્યા. બેંગલુરુ માટે રેણુકા ઠાકુર અને જ્યોર્જિયા વેરહામ સૌથી સફળ બોલર રહ્યા. બંને બોલરોએ 3-3 વિકેટ લીધી. જ્યારે કિમ ગાર્થ અને એકતા બિષ્ટે બે-બે વિકેટ લીધી.
142 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સારી શરૂૂઆત કરી હતી. સ્મૃતિ મંધાના અને ડેની વ્યાટ વચ્ચે શાનદાર ઓપનિંગ ભાગીદારી જોવા મળી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે માત્ર 10.5 ઓવરમાં 107 રન ઉમેર્યા. ડેની વ્યાટે 33 બોલમાં 42 રનની ઈનિંગ રમી.
સ્મૃતિ મંધાનાએ તોફાની અડધી સદી ફટકારી. તેણે માત્ર 26 બોલમાં 50 રનનો આંકડો પાર કર્યો. આ પછી પણ તેણે ઝડપી ગતિએ રન બનાવવાનું ચાલુ રાખ્યું અને 172.34ના સ્ટ્રાઈક રેટથી 47 બોલમાં 81 રન બનાવ્યા. આ દરમિયાન મંધાનાએ 10 ચોગ્ગો અને 3 છગ્ગા ફટકાર્યા. જ્યારે, RCB એ માત્ર 16.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. આ સાથે RCB પોઈન્ટ ટેબલમાં નંબર વન પર યથાવત છે.