WPL, મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટસને નવ રનથી હરાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 9 રનથી હરાવ્યું હતું. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 179 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 170 રન જ કરી શકી હતી. ગુજરાતની અડધી ટીમ 70 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી, પરંતુ ભારતી ફૂલમાળીની 61 રનની તોફાની ઇનિંગ્સે મેચને રોમાંચક બનાવી દીધી હતી પરંતુ ટીમને વિજય અપાવી શકી ન હતી.
WPL 2025ના લીગ તબક્કામાં ગુજરાત જાયન્ટ્સની આ છેલ્લી મેચ હતી. મુંબઈને હરાવીને તેમના માટે સીધા ફાઇનલમાં જવાના દરવાજા ખુલી શક્યા હોત પરંતુ છેલ્લી 2 ઓવરમાં MI બોલરોએ આખી મેચ પલટી નાખી હતી. વાસ્તવમાં અમેલિયા કેરે 17મી ઓવરમાં ભારતી ફૂલમાળીની વિકેટ ઝડપી ત્યારે મેચની બાજી પલટાઇ હતી. ત્યાર બાદ ગુજરાતના નીચલા ક્રમના બેટ્સમેનો દબાણમાં આવી ગયા હતા. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ હવે સીધા ફાઇનલમાં પહોંચવાની નજીક છે.
180 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત જાયન્ટ્સે 70 રનના સ્કોરે 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ભારતી ફૂલમાળીએ સ્થિતિ સંભાળી હતી. તેણે માત્ર 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને 61 રનની તોફાની ઇનિંગથી મેચમાં ધમાલ મચાવી દીધી હતી. ભારતીએ આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. ટીમને જીતવા માટે 38 રનની જરૂૂર હતી, ત્યારે ભારતી આઉટ થઈ હતી અને ગુજરાતે મેચ ગુમાવી હતી. મહિલા પ્રીમિયર લીગના ફોર્મેટ મુજબ, પોઈન્ટ ટેબલમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમો નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કરે છે. ટેબલમાં ટોચ પર રહેનારી ટીમને ફાઇનલમાં સીધો પ્રવેશ મળે છે, જે હજુ સુધી નક્કી થયું નથી. દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ એ ત્રણ ટીમો છે જે પ્લેઓફમાં પહોંચી છે.