મહિલા વન ડે વર્લ્ડ કપ-2025નો 30 સપ્ટેમ્બરથી પ્રારંભ, 31 મેચ રમાશે
પ્રથમ મેચ જ ભારત-શ્રીલંકા વચ્ચે, 5 ઓકટોબરે પાકિસ્તાન સાથે મુકાબલો
મહિલા ODI વર્લ્ડ કપની 13મી એડિશનની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટની શરૂૂઆત 30 સપ્ટેમ્બરથી થશે, જેમાં મેચો ભારતના અને શ્રીલંકાના કુલ 5 મેદાનો પર રમાશે. વર્લ્ડ કપની પહેલી મેચ 30 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ વિશ્વ કપમાં કુલ 31 મેચો રમાશે, જેમાંથી 28 મુકાબલા લીગ સ્ટેજમાં રમાશે.
ભારતીય ટીમ 30 સપ્ટેમ્બરે શ્રીલંકા સાથે પોતાની સફરની શરૂૂઆત કરશે. બીજો મેચ 5 ઓક્ટોબરે પાકિસ્તાન સામે અને ત્યારબાદ ત્રીજો મુકાબલો 9 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સાથે થશે. 12 ઓક્ટોબરે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા જેવો રહેશે, જ્યારે 19 ઓક્ટોબરે તેને ઇંગ્લેન્ડ સામે ટકરાવું પડશે. ભારતનો ન્યૂઝીલેન્ડ સામેનો મેચ 23 ઓક્ટોબરે અને ટીમ ઇન્ડિયાનો છેલ્લો લીગ મેચ 26 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે થશે.
પહેલી સેમિફાઇનલ ગુવાહાટી અથવા કોલંબોમાં રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે. ફાઇનલ માટે પણ સ્થળ હજુ નક્કી થયું નથી.
આ એક હકીકત છે કે ભારતની મહિલા ક્રિકેટ ટીમ આજ સુધી ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી શકી નથી. 1973 થી અત્યાર સુધી કુલ 12 વખત મહિલા એકદિવસીય ક્રિકેટ વિશ્વ કપ રમાઈ ચૂક્યો છે, જેમાં ભારતીય ટીમ માત્ર 2 વાર ફાઇનલ સુધી પહોંચી છે. ટીમ ઇન્ડિયા 2005 અને 2017માં રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ બંને વખતે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતનું વર્લ્ડ કપ શેડ્યૂલ
30 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ શ્રીલંકા (બેંગલુરુ)
5 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (કોલંબો)
9 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (વિશાખાપટ્ટનમ)
12 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (વિશાખાપટ્ટનમ)
19 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ (ઈન્દોર)
23 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ગુવાહાટી)
26 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ (બેંગલુરુ)