ઘરેલુ ક્રિકેટમાં પણ મેચ ફિક્સિગંનો ચેપ, આસામના ચાર ખેલાડીઓની હકાલપટ્ટી
ભારતીય ઘરેલુ ટુર્નામેન્ટ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લઈ રહેલા ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેના કારણે આસામ ક્રિકેટ એસોસિએશનને ઝડપી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી, અમિત સિંહા અને અભિષેક ઠાકુર પર આસામ ટીમમાં ખેલાડીઓને પ્રભાવિત કરવાનો અને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચમાં તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે. તપાસ બાકી હોવાથી, આ ચાર ખેલાડીઓ આસામ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.
હકીકતમાં જોઈએ તો, ઇશાન, અમન, અમિત અને અભિષેક પર 26 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન રમાયેલી મેચ દરમિયાન અન્ય ખેલાડીઓને પ્રભાવિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ બાબતની જાણ થતાં, આસામ ક્રિકેટ એસોસિએશને તાત્કાલિક આ ચાર ખેલાડીઓ સામે કાર્યવાહી કરી. એવું જાણવા મળ્યું છે કે BCCI ના ભ્રષ્ટાચાર વિરોધી અને સુરક્ષા એકમે આ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.
આસામ ક્રિકેટ એસોસિએશને એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આ ચાર ખેલાડીઓએ મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા છે જેણે રમતની અખંડિતતા પર નકારાત્મક અસર કરી છે. વધુ વકરી ન જાય તે માટે, આ ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. તેમના સસ્પેન્શન દરમિયાન, આ ખેલાડીઓ કોઈપણ રાજ્ય-સ્તરીય ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.