રાજકોટમાં મહિલા ક્રિકેટરો દ્વારા રનનું રમખાણ, રેકોર્ડની વણજાર
આયર્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ભારતીય ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાનું અંધાધૂંધ બેટિંગ, 435 રનનો ઐતિહાસિક જુમલો ખડકયો
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભારત અને આયરલેન્ડની મહીલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાઇ રહેલી શ્રેણીની અંતિમ ત્રીજી વન-ડે મેચમાં ભારતીય મહીલા ક્રિકેટરોએ અંધાધુંધ બેટીંગ કરી રીતસર રનનું રમખાણ સર્જી દીધું હતુ અને પ્રથમ દાવ લેતા 50 ઓવરમાં મહીલા ક્રિકેટના ઇતિહાસનો સૌથી મોટો 435 રનનો પહાડ જેવડો હુમલો ખડકી દીધો હતો. આ મેચમાં ભારતીય મહીલા ક્રિકેટ ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી ફાસ્ટેસ્ટ સદી સહીત ક્રિકેટ ઇતિહાસના અડધો ડઝન જેટલા નવા રેકોર્ડ સર્જી દીધા હતા.
ભારતીય મહીલા ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી અને ઓપનીંગમાં આવેલી કેપ્ટન સ્મૃતિ મંધાના તથા પ્રતિકા રાવલે આયરલેન્ડની તમામ બોલર્સની બેફામ ધોલાઇ કરી હતી અને બન્ને ઓપનરોએ ભારતીય મહીલા ક્રિકેટના ઇતીહાસની સૌથી મોટી 233 રનની ભાગીદારી પણ નોંધાવી હતી. પ્રતિકા રાવલે 129 બોલમાં 154 રન અને સ્મૃતિ મંધાનાએ 80 બોલમાં તોફાની 135 રન ફટકાર્યા હતા. 50 ઓવર પુરી થતા સુધીમાં ભારતીય મહીલા ટીમે પાંચ વિકેટ ગુમાવી 435 રનનો પહાડ જેટલો જુમલો ખડી દીધો હતો.
આ વન-ડે મેચમાં ભારતીય મહીલા ક્રિકેટરોની ઐતીહાસીક બેટીંગ સાથે રેકોર્ડ તુટવાની અને નવા રેકોર્ડ સર્જાવાની વણજાર સર્જાઇ હતી. ભારતીય મહીલા ટીમમાં 435 રનનો સ્કોર પ્રથમ વખત નોંધાવ્યો હતો. આ ઉપરાંત ઓપનીંગ બેટસમેનોની 233 રનની સૌથી મોટી ભાગીદારી નોંધાઇ હતી. આ સીવાય મહીલા ક્રિકેટરનો સૌથી હાઇએસ્ટ સ્કોર પણ પ્રતિકા રાવલ (154 રન) દ્વારા નોંધાવામાં આવ્યો હતો. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં પણ મહીલા ક્રિકેટનો આ સૌથી મોટો હુમલો ખડકાયો હતો તો સ્મૃતિ મંધાનાએ માત્ર 80 બોલમાં 135 રન ફટકારી ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.
ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ 80 બોલમાં 7 સિકસર અને 12 ચોગ્ગા સાથે 135 રનની તોફાની ઇનીંગ રમી હતી. જયારે પ્રતિકા રાવલે 129 બોલમાં 154 રનમાં 20 ચોગ્ગા અને એક સિકસર મારી હતી. રીચા ઘોષે પણ 42 બોલમાં 59 રનની ઝડપી ઇનીંગ રમી હતી. ભારતીય મહીલા બેટરોએ આજે આયરલેન્ડના તમામ બોલર્સની બેફામ ધોલાઇ કરી હતી અને તમામ બોલર્સને લગભગ 9 રનની એવરેજથી ફટકાર્યા હતા. આ સાથે પ્રતિકા રાવલ 2018 બાદ સ્મૃતિ મંધાનાને બાદ કરતા સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહીલા ઓપનર બની છે.