IPL-2025માં ધોની રમશે કે નહીં? કાલે BCCIની બેઠક બાદ નક્કી થશે
કેટલા ખેલાડી રિટેન થઈ શકે તેની મંજૂરી ઉપર નિર્ભર
આઈપીએલ 2024 સમાપ્ત થયા બાદ ફેન્સના મનમાં સૌથી મોટો સવાલ તે આવ્યો કે ચેન્નઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન ધોની આગામી સીઝનમાં રમશે કે નહીં. તેણે પોતાની જગ્યાએ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. આઈપીએલ 2024માં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. ક્રિકેટર જગતમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે શું ધોની ફરી પીળી જર્સી પહેરશે કે ટીમમાં કોઈ નવી ભૂમિકામાં જોવા મળશે.
ક્રિકબઝના તાજેતરના રિપોર્ટ અનુસાર આઈપીએલ 2025માં ચેન્નઈ સુપરકિંગ્સની સાથે ધોનીનું ભવિષ્ય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક મહત્વપૂર્ણ નિર્ણય પર ટકેલું છે.
મુખ્ય કારણ મેગા ઓક્શન પહેલા ખેલાડીઓ કેટલા રિટન થશે તેની મંજૂરી પર છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે. જો આ નિયમ યથાવત રહ્યો તો ધોનીની વાપસીની સંભાવના ખુબ ઓછી છે. રિપોર્ટ પ્રમાણે ધોની આ સીઝનમાં રિટેન કરવા માટે મુખ્ય વિકલ્પોમાંથી નથી. રિટેન કરવા માટે પસંદગીના ખેલાડીઓમાં ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, શ્રીલંકાનો મથીશા પથિરાના અને શિવમ દુબેની આશા છે. જો રિટેન કરવાની મર્યાદા પાંચ કે છ ખેલાડીઓ પર સેટ થાય છે તો ધોની રિટેન થઈ શકે છે.
રિટેન્શનની સંખ્યા પર અંતિમ નિર્ણય 31 જુલાઈએ આઈપીએલ ફ્રેન્ચાઇઝી માલિકોની સાથે બીસીસીઆઈની બેઠક દરમિયાન લેવામાં આવશે. આ નિર્ણય ચેન્નઈ સહિત દરેક ટીમો માટે મહત્વપૂર્ણ હશે.