ક્રિકેટની સૌથી મોંઘી જર્સી પહેરશે વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન ટીમ
વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સ ટીમના ક્રિસ ગેલ, ડીજે બ્રાવો અને કિરોન પોલાર્ડ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025માં સૌથી મોંઘી જર્સી પહેરશે. ઇંગ્લેન્ડના બર્મિંગહામ, નોર્થમ્પ્ટન, લેસ્ટર અને લીડ્સમાં રમાશે. આ ચેમ્પિયનશિપને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સ માટે 18 કેરેટ સોનાથી જડેલી ખાસ ડિઝાઇન કરેલી જર્સી છે. તે 30 ગ્રામ, 20 ગ્રામ અને 10 ગ્રામ એડિશનમાં ઉપલબ્ધ છે. તે યુએઈના લોરેન્ઝ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ ઐતિહાસિક પ્રકાશન વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના મહાન ખેલાડીઓના સમૃદ્ધ વારસા અને મહાન ભાવનાને સમર્પિત છે.
વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સના માલિક અજય સેઠીએ જણાવ્યું હતું કે, વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સ ટીમમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ છે અને આ જર્સી વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના તમામ મહાન ખેલાડીઓને સમર્પિત છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ વિશ્વભરની શ્રેષ્ઠ ક્રિકેટ સ્પર્ધાઓમાંની એક છે અને અમારું લક્ષ્ય આ વર્ષે ટ્રોફી જીતવાનું છે.
નોંધનીય છે કે યુવરાજ સિંહ, હરભજન સિંહ, શિખર ધવન, સુરેશ રૈના, બ્રેટ લી, ક્રિસ લિન, શોન માર્શ, ઇયોન મોર્ગન, મોઇન અલી, એલિસ્ટર કૂક, એબી ડી વિલિયર્સ, હાશિમ અમલા, ક્રિસ મોરિસ, વેઇન પાર્નેલ વગેરે જેવા સ્ટાર ખેલાડીઓ પણ આ ચેમ્પિયનશિપમાં સામેલ છે.