વિરાટ કોહલી, રોહિત, જાડેજા ગરિમાપૂર્ણ નિવૃત્તિ માટે યાદ રહેશે
ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો પછી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારતે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિવારે જાડેજા પણ આ બંને ક્રિકેટરો સાથે જોડાઈ ગયો અને તેણે પણ ઈન્ટરનેશનલ ટી 20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ત્રણ ધુરંધરો પૈકી સૌથી પહેલાં વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા બાદ વિરાટ કોહલીએ પ્રેઝન્ટેશન વખતે એલાન કરી દીધું કે, આ મારો છેલ્લો ટી 20 વર્લ્ડ કપ હતો અને ભારત માટે પણ આ મારી છેલ્લી ટી 20 મેચ હતી. વિરાટની જાહેરાતના એકાદ કલાક પછી કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. પ્રેઝન્ટેશન સેરેમની પતી પછી રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું કે, આ મારી પણ છેલ્લી મેચ છે અને ઈન્ટરનેશનલ ટી 20 ફોર્મેટને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આ બંને દિગ્ગજોની જાહેરાત પછી બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ પણ ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ત્રણેયે એક સાથે નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ ચાહકોને નાન઼કું સરપ્રાઈઝ આપી દીધું છે એમ કહી શકાય કેમ કે ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં લોકો ઝડપથી ખસતા જ નથી.
તેના જોરે બીજા ચાર-છ મહિના આરામથી ખેંચી શકે તેમ છે પણ એવું કરવાના બદલે તેમણે ગૌરવભેર ખસી જવાનું નક્કી કરીને ખરેખર બહુ શાણપણ બતાવ્યું છે. કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી નિવૃત્ત થવું બહુ અઘં હોય છે ને વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજાએ ત્રણેયે એ અઘરૂ કામ કરી બતાવ્યું એ બદલ તેમને સલામ મારવી જોઈએ. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેયે સમયસર અને લોકોની નજરમાં હીરો છે ત્યારે જ નિવૃત્તિની જાહેરાત કરીને પોતાની કારકિર્દીને વધારે યશસ્વી બનાવી દીધી છે એમ કહી શકાય. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા એ ત્રણેય ક્રિકેટરો છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે બોજ બનતા જાય છે એવી ટીકા થતી હતી. રોહિત અસાતત્યપૂર્ણ બેટિગ કરે છે જ્યારે વિરાટ ટી 20 માટે જરૂરી ઝડપે રમી શકતો નથી એવી ટીકાઓ થતી. જાડેજા મેચ વિનર બોલર કે બેટ્સમેન નથી એવું કહેવાતું. જાડેજાના વિકલ્પરૂપે અક્ષર પટેલ તૈયાર છે જ્યારે રોહિત અને વિરાટના વિકલ્પ તરીકે તો બહુ બધા બેટ્સમેન છે તેથી તેમની ખોટ નહીં સાલે પણ વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેય ગૌરવપૂર્ણ રીતે નિવૃત્તિ લેનારા ક્રિકેટરો તરીકે હંમેશાં યાદ રહેશે.