વિરાટ કોહલી ક્રિકેટનો શહેનશાહ, યુવરાજસિંહ બાદશાહ, સચિન દબંગ
બુમરાહ ખિલાડી ફિલ્મના આધારે ગૌતમ ગંભીરે આપ્યા નામ
ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે ડીપીએલ ટી20 દરમિયાન વિરાટ કોહલીને ક્રિકેટનો શહેનશાહ ગણાવ્યો છે. રેપિડ ફાયર રાઉન્ડમાં જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે, ક્રિકેટનો શહેનશાહ કોણ છે? તેના જવાબ આપતા ગંભીરે વિરાટ કોહલીનું નામ લીધું હતું. ગંભીરનું નિવેદન એટલા માટે મહત્વનું છે, કેમ કે, ક્રિકેટ મેદાન પર બંને વચ્ચે ઘણીવાર રકઝક જોવા મળી છે, પરંતુ જ્યારે ટીમ ઇન્ડિયાની વાત આવે તો બંને વચ્ચે કોઈ મતભેદ જોવા મળતો નથી.
ગંભીરે કોહલીની ક્રિકેટમાં અદ્ભુત સિદ્ધિઓ અને સતત શાનદાર પ્રદર્શન જોતા આ નિવેદન આપ્યું છે. વિરાટ કોહલી ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મહાન બેટ્સમેનમાંથી એક છે. તેનું રમત પ્રત્યે સમર્પણ જોઈ તેના પર શહેનશાહનું ટાઇટલ બંધ બેસે છે. તેણે ભારતીય ક્રિકેટ માટે જે કંઈ કર્યું છે, તે પ્રશંસાને પાત્ર છે. કોહલીની બેટિંગ શૈલી અને તેની ફિટનેસ જોતા લાગે છે કે, હજુ પણ તે ઘણાં વર્ષો સુધી ક્રિકેટ રમી શકે છે.
દિલ્હી પ્રીમિયર લીગ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ગંભીરને ફિલ્મના આધારે ક્રિકેટરોના નામ જણાવવા કહેવામાં આવ્યું હતું. જેનો ગંભીરે અહીં જવાબ આપ્યો છે. જેમાં બાદશાહ - યુવરાજ સિંહ, એન્ગ્રી યંગ મેન - હું, પોતે, દબંગ - સચિન તેંડુલકર, શહેનશાહ - વિરાટ કોહલી, ખિલાડી - જસપ્રિત બુમરાહ, મિસ્ટર પરફેક્શનિસ્ટ - રાહુલ દ્રવિડ, ટાઇગર - સૌરવ ગાંગુલી.