ચેમ્પિયન ટ્રોફી પહેલાં ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી, બુમરાહ અને રોહિત નહીં રમે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝ 22 જાન્યુઆરીથી શરૂૂ થશે, ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી 3 ઓડીઆઈ મેચ રમાશે. આ ઓડીઆઈ શ્રેણી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે તૈયારીની છેલ્લી તક હશે, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂૂ થશે.
હાલમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તેઓ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વ્યસ્ત છે. મેલબોર્ન ટેસ્ટમાં હાર સાથે ટીમ ઈન્ડિયા શ્રેણીમાં પાછળ રહી ગઈ છે અને આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, જેના પર સવાલો ઉઠી રહ્યા છે. દરમિયાન, એક નવા સમાચાર સામે આવ્યા છે કે બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ રજા પર જશે અને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ભાગ નહીં લે. આ બંને સિવાય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ આ સિરીઝમાંથી બ્રેક લેશે.
મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ મીડિયા રિપોર્ટ અનુસાર, કેપ્ટન રોહિત, વિરાટ અને બુમરાહ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં નહીં રમે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ત્રણેય ખેલાડીઓને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવશે. આ રીતે, આ ખેલાડીઓ સિડનીમાં 3 જાન્યુઆરીથી શરૂૂ થનારી ટેસ્ટ મેચ બાદ એક મહિના માટે વિરામ લેશે અને 19 ફેબ્રુઆરીથી શરૂૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સીધા વાપસી કરશે.
ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરીમાં ભારતની મુલાકાતે આવી રહી છે અને 22 જાન્યુઆરીથી પાંચ ટી20 મેચોની શ્રેણી બાદ 6 ફેબ્રુઆરીથી ત્રણ વનડે મેચ રમાશે. વિરાટ અને રોહિત બંને પહેલા જ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, તેથી તેઓ આ શ્રેણીનો ભાગ નહીં હોય. જોકે આ સ્થિતિ પસંદગી સમિતિના અંતિમ નિર્ણય બાદ સ્પષ્ટ થશે.
જસપ્રીત બુમરાહ ત્રણેય ફોર્મેટમાં સતત સક્રિય છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી તે ટેસ્ટ ક્રિકેટમાં વ્યસ્ત છે. ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટ માટે ફિટ અને તાજગી જાળવી રાખવા માટે બુમરાહને આ પ્રવાસમાં આરામ આપવામાં આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની ઓડીઆઈ શ્રેણી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની છેલ્લી શ્રેણી હશે. બુમરાહના ફોર્મને ધ્યાનમાં રાખીને, તેને આરામ આપવામાં કોઈ આશ્ચર્ય નથી, પરંતુ રોહિત અને વિરાટના તાજેતરના પ્રદર્શનને કારણે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેનો બ્રેક લેવા પર પ્રશ્ન થઈ શકે છે.