ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને હાથમાં બેટ સાથે હોસ્પિટલની બહાર આવ્યો વિનોદ કાંબલી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. તાજેતરમાં કાંબલીની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેને થાણેની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે લગભગ 10 દિવસની સારવાર બાદ તેને રજા આપવામાં આવી છે. વિનોદ કાંબલીની હાલત સ્થિર છે. મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે કાંબલીના મગજમાં લોહીના ગઠ્ઠા હતા.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
કાંબલી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને હોસ્પિટલની બહાર આવ્યો અને તેના હાથમાં બેટ પણ હતું. આ ઉપરાંત તેમણે નવા વર્ષમાં નાગરિકોએ દારૂૂ અને અન્ય નશાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો કે, કોઈપણ વ્યસન જીવનને નષ્ટ કરી શકે છે. સાથે જ કાંબલીએ કહ્યું કે હું ટૂંક સમયમાં મેદાનમાં પાછો ફરીશ.
હાલમાં જ વિનોદ કાંબલીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ વીડિયોમાં તે સચિન તેંડુલકર સાથે જોવા મળ્યો હતો, જેમાં તે ખૂબ જ બીમાર દેખાઈ રહ્યો હતો. ત્યારથી, તેમની સ્થિતિ વિશે ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. દારૂૂની લતના કારણે વિનોદ કાંબલીની તબિયત દિવસેને દિવસે બગડી રહી છે. ગયા મહિને વિનોદ કાંબલીએ યુરિન ઈન્ફેક્શન અને ખેંચાણની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ટેસ્ટ કરાવ્યા બાદ કાંબલીના મગજમાં લોહીનો ગઠ્ઠો હોવાનું જણાયું હતું.