હેન્ડશેક વિવાદમાં બન્ને દેશો વચ્ચેની દુશ્મનાવટ, રાજકારણનું વરવું સ્વરૂપ બહાર આવ્યું
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન મેચ પછી ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ક્રિકેટરો સાથે હાથ ન મિલાવ્યા અને રેફરી આ મામલે નિષ્પક્ષ ન રહ્યા એનો પાક. ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને તેના કેટલાક પૂર્વ ખેલાડીઓએ વિરોધ કરી ભારે વિવાદ ઉભો કરી દીધો છે. ગઇકાલે રેફરીને ન હટાવવા મુદ્દે યુએઇ સામેની મેચનો અને એ દ્વારા એશિયાકપ ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાની ધમકી વચ્ચે પાક. ટીમ મેદાનમાં એક કલાક મોડી આવી અને એજ રેફરીના સુપરવિઝન હેઠળ મેચ રમાઇ પણ હતી. હેન્ડશેક વિવાદમાં રેફકરીએ પાક. બોર્ડની માફી માગી એવા દાવાનું પણ હવે ખંડન થઇ રહ્યું છે. ત્યારે પાકિસ્તાન સામે ભારતે રમવું જોઇએ કે નહીં તે વિશે નવેસરથી વિચારવાની જરૂર છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારત સામે ઝેર ઓકીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. શાહિદ આફ્રિદીએ લવારો કર્યો છે કે, ભારત નવું ઇઝરાયલ બનવાની કોશિશ કરી રહ્યું છે અને મોદી સરકાર હિન્દુ-મુસ્લિમ કાર્ડ રમીને માહોલ બગાડી રહી છે.
એશિયા કપમાં ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાનીઓ સાથે હાથ ના મિલાવ્યા એ અંગે આફ્રિદીએ જ્ઞાન પિરસ્યું છે કે જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી આ પ્રકારનું રાજકારણ રમાતું રહેશે. આફ્રિદીનો દાવો છે કે, ભારતીય ક્રિકેટરોનો કોઈ વાંક નથી પણ તેમને તો ઉપરથી ફરમાન આવેલું કે, પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવે. સોશ્યલ મીડિયા પર પહેલેથી જ ભારત અને પાકિસ્તાનની મેચનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચાલી રહી હતી. આ ઝુંબેશના કારણે નકારાત્મક માહોલ ઊભો કરી દેવાયેલો તેથી બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) અને ક્રિકેટરોએ પાકિસ્તાનીઓ સાથે હાથ ના મિલાવ્યા. આફ્રિદીએ રાહુલ ગાંધીનાં વખાણ કરીને તેમને હકારાત્મક વલણ ધરાવતા નેતા ગણાવીને ડહાપણ ડહોળ્યું છે કે, રાહુલ ગાંધી વાતચીતથી તમામ દેશો અને ખાસ તો પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવા માગે છે.
આફ્રિદીએ રાહુલ ગાંધીનાં વખાણ કર્યાં તેને ભાજપે મુદ્દો બનાવીને સવાલ કર્યો છે કે, દરેક ભારત વિરોધી વ્યક્તિને રાહુલમાં મિત્ર કેમ દેખાય છે? ભાજપના નેતા અમિત માલવિયાનું કહેવું છે કે, ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની અને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવાની વાતો કરવાની એક પણ તક નહીં છોડનારા શાહિદ આફ્રિદીએ અચાનક રાહુલ ગાંધીની પ્રશંસા કરવાનું શરૂૂ કરી દીધું છે. ભાજપના બીજા નેતાઓએ પણ આ મુદ્દે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરીને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. આ પ્રહારો ભાજપના નેતાઓની હલકી માનસિકતા બતાવે છે. આફ્રિદીએ રાહુલનાં વખાણ કર્યાં તેના કારણે રાહુલ પાકિસ્તાનતરફી થઈ ગયા એવો દાવો એ વાતનો પુરાવો છે કે, ભાજપના કેટલાક નેતાઓમાં કોઈ પણ વાતને તોડીમરોડીને રજૂ કરવાની માનસિક વિકૃતિ છે ? અને તેમની દુનિયા રાહુલ ગાંધીથી આગળ વધતી જ નથી.