ગજબ હો ગયા... નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને બે રને પરાજ્ય આપ્યો
ક્રિકેટ જગતમાં એક મોટો અપસેટ જોવા મળ્યો છે. નાઇજીરિયાની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 2 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ પરિણામથી ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વરસાદના કારણે 13-13 ઓવરની બનેલી ટી-20 મેચમાં આ રોમાંચક પરિણામ આવ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમ જીતથી માત્ર 2 રન દૂર રહી ગઈ હતી. આ મેચ અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં રમાઈ હતી. નાઇજીરિયાની ટીમ પહેલીવાર અંડર-19 મહિલા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે અને તેણે ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે.
મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
પ્રથમ બેટિંગ કરતા નાઇજીરિયાએ 13 ઓવરમાં 6 વિકેટે 65 રન બનાવ્યા હતા. નાઇજીરિયા માટે લિલિયન ઉદેહે 19 રન અને કેપ્ટન લકી પેટીએ 18 રનનું યોગદાન આપ્યું હતું.
નાઇજીરિયાએ ઓછા સ્કોર સુધી રોક્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમે 12 ઓવરના અંતે પાંચ વિકેટે 57 રન બનાવ્યા હતા અને વિજય નોંધાવવા માટે તેને એક ઓવરમાં નવ રનની જરૂૂર હતી. નાઇજીરિયા માટે લિલિયન ઉદેહ છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો અને તેણે પહેલા ચાર બોલમાં ચાર રન આપ્યા હતા. પાંચમા બોલ પર કોઈ રન બનાવ્યો ન હતો, જ્યારે છેલ્લા બોલ પર બે રન બનાવ્યા હતા અને કેપ્ટન તાશ વેકલિન રન ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થયો હતો. આ રોમાંચક અંત સાથે નાઇજીરિયાએ મેચ જીતી લીધી હતી.