ભારત-બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચેન્નઇમાં શુક્રવારે રમાશે
કોહલી સહિતના ખેલાડીઓની સઘન પ્રેક્સિસ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝનો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી થશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં યોજાશે. પ્રથમ ટેસ્ટ શરૂૂ થવાને એક સપ્તાહથી ઓછો સમય બાકી છે ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું ચેન્નાઈમાં આગમન થઈ ચુક્યું છે.
કોચ દ્વારા જરૂૂરી ટિપ્સ મેળવ્યા બાદ ખેલાડીઓએ પોતાની પ્રેક્ટિસ હાથ ધરી હતી. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું ટીમમાં પુનરાગમન થયું છે અને તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ માટે સજ્જ છે. કોહલી પ્રથમ દિવસથી પ્રેક્ટિસમાં જોડાઈ ગયો છે. આ દરમ્યાન તેણે બેટ વડે શાનદાર શોટ્સ ફટકાર્યા હતા.
ભારતના પેસ બોલર જસપ્રિત બુમરાહે પણ સમય વેડફ્યા વગર પ્રથમ દિવસે જ નેટ્સમાં પરસેવો પાડ્યો હતો. ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા સહિતના ખેલાડીઓ હાજર રહ્યા હતા. ભારતીય ટીમના કોચ ગંભીર ઉપરાંત, બોલિંગ કોચ મોર્ને મોર્કલ અને સહાયક કોચ અભિષેક નાયર માટે ઘરઆંગણેની સિરીઝમાં આ પ્રથમ કસોટી રહેશે. બાંગ્લાદેશની ટીમે તાજેતરમાં પાકિસ્તાન પ્રવાસમાં 2-0થી પાક.નો ક્લીન સ્વિપ કર્યો હતો. પ્રવાસી ટીમનો આત્મવિશ્વાસ બુલંદ જણાય છે. રોહિતની આગેવાનીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે કેવી રણનીતિ અપનાવે છે તે જોવું રહેશે. બંને ટીમના સ્પિનર્સની ભૂમિકા મહત્વની બની રહેશે.
આ ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો હોવાથી ભારત બંને જીતીને પોતાનું સ્થાન ટોચના ક્રમે મજબૂત કરવા માટે પ્રયાસ કરશે. બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમશે. બાદમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જશે અને બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત પાંચ ટેસ્ટની શ્રેણી યોજાશે. ભારતીય ટીમ સળંગ ત્રીજા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા આતુર છે. ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલમાં ભારત 68.52 ટકા પોઈન્ટ્સ સાથે પ્રથમ ક્રમે છે જ્યારે ઓસ્ટ્રેલિયા 62.50 ટકા પોઈન્ટ્સ સાથે બીજા ક્રમની ટીમ છે. પાકિસ્તાન સામે શાનદાર દેખાવ સાથે બાંગ્લાદેશ યાદીમાં 45.83 ટકા સાથે ચોથા ક્રમે રહી છે.