કાલે ભારત-દ.આફ્રિકા વચ્ચે ટી-20નો પ્રથમ મુકાબલો
રોહિત-કોહલી સહિતના સાત ખેલાડીઓ જોવા નહીં મળે, હાર્દિક પંડયા-ગીલની વાપસી
દક્ષિણ આફ્રિકા સામે વન-ડે સીરીઝમાં શાનદાર જીત મેળવ્યા બાદ, હવે ભારતીય ટીમ ફટાફટ ક્રિકેટ એટલે કે T20 ફોર્મેટમાં પોતાનો દબદબો જાળવી રાખવા સજ્જ છે. મંગળવારે ઓડિશાના કટક ખાતે બંને ટીમો વચ્ચે પાંચ મેચની સીરીઝનો પ્રથમ મુકાબલો રમાશે. જોકે, આ મેચમાં ચાહકોને એક નવી ટીમ જોવા મળશે કારણ કે રોહિત-કોહલી સહિતના 7 મુખ્ય ખેલાડીઓ ટીમનો ભાગ નથી. બીજી તરફ, યુવા કેપ્ટન સૂર્યકુમાર યાદવની સેનામાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર શુભમન ગિલની વાપસીથી ટીમ મજબૂત બની છે.
વન-ડે શ્રેણીમાં પ્રોટીઝ ટીમને ક્લીન સ્વીપ કરીને ભારતે મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવી લીધી છે. હવે મંગળવાર, 9 ડિસેમ્બરના રોજ બંને ટીમો કટકના ઐતિહાસિક બારાબતી સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે. ભારતીય સમયાનુસાર સાંજે 6:30 કલાકે ટોસ ઉછાળવામાં આવશે અને બરાબર 7:00 કલાકે મેચનો પ્રારંભ થશે. T20 વર્લ્ડકપની તૈયારીઓના ભાગરૂૂપે આ સીરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વન-ડે અને T20 સ્ક્વોડ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. વન-ડે સીરીઝમાં જે ખેલાડીઓએ ધૂમ મચાવી હતી તેવા 7 ખેલાડીઓ આ T20 સીરીઝમાં જોવા નહીં મળે. જેમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા, રન મશીન વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, કે.એલ. રાહુલ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે. મેનેજમેન્ટે વર્કલોડ મેનેજમેન્ટ અને નવા ખેલાડીઓને તક આપવા માટે આ નિર્ણય લીધો હોય તેમ જણાય છે.
ભારતીય ટીમ માટે સૌથી રાહતના સમાચાર એ છે કે સ્ટાર ઓપનર શુભમન ગિલ હવે સંપૂર્ણ ફિટ છે અને તે પ્રથમ મેચમાં અભિષેક શર્મા સાથે ઇનિંગની શરૂૂઆત કરે તેવી પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત, અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પુનરાગમનથી ટીમના મિડલ ઓર્ડર અને બોલિંગ આક્રમણને મજબૂતી મળશે. જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર માટે ’પ્લેઈંગ ઈલેવન’માં વિકેટકીપરની પસંદગી માથાનો દુખાવો બની શકે છે. સંજુ સેમસન અને જીતેશ શર્મા બંને દાવેદાર છે, ત્યારે કોને તક મળે છે તે જોવું રસપ્રદ રહેશે.