કાલે ઓવલમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ મુકાબલો
ટીમ ઈન્ડિયા આ મેદાનમાં 15 ટેસ્ટમાંથી માત્ર બે ટેસ્ટ જ જીતી છે, ભારત માટે જીતવું એક માત્ર વિકલ્પ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. અત્યાર સુધી શ્રેણીની ચાર મેચ રમાઈ છે. યજમાન ઇંગ્લેન્ડ શ્રેણીમાં 2-1થી આગળ છે. હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પાંચમો અને અંતિમ મેચ 31 જુલાઈથી લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતે છે, તો શ્રેણી 2-2થી ડ્રો થશે. બીજી તરફ, જો ઇંગ્લેન્ડ આ ટેસ્ટ જીતે છે અથવા ડ્રો પણ કરે છે, તો શ્રેણી ઈંગ્લેન્ડના નામે થશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો છેલ્લો મેચ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર અત્યાર સુધી 15 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન, ભારતે ફક્ત 2 ટેસ્ટ મેચ જીતી છે. ભારતે 1936માં અહીં પોતાનો પહેલો ટેસ્ટ મેચ રમ્યો હતો.
ટીમ ઈન્ડિયા પાંચમી ટેસ્ટમાં બે સ્ટાર ખેલાડીઓ વગર જઈ શકે છે. ઋષભ પંત ઈજાને કારણે પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ માટે પાંચમી ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે. આ ઉપરાંત, શાર્દુલ ઠાકુર અને અંશુલ કંબોજને ટીમમાંથી બહાર કરી શકાય છે. આનો અર્થ એ છે કે ભારતીય ટીમ પાંચમી ટેસ્ટમાં ઘણા ફેરફારો સાથે આવી શકે છે.
ઇંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડે 15 ખેલાડીઓની પસંદગી કરી છે. જો આપણે પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો, બ્રિટિશરો એક ફેરફાર કરી શકે છે. બ્રાઇડન કાર્સની જગ્યાએ ગુસ એટક્ધિસનને ટીમમાં તક મળી શકે છે.