For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિરાજ, કૃષ્ણા, જયસ્વાલ, નાયર, આકાશદીપ, ભારતની શાનદાર જીતના હિરો

10:55 AM Aug 05, 2025 IST | Bhumika
સિરાજ  કૃષ્ણા  જયસ્વાલ  નાયર  આકાશદીપ  ભારતની શાનદાર જીતના હિરો

ઇંગ્લેન્ડના મોમાંથી શ્રેણી વિજયનો કોળિયો ઝૂટવાયો, 6 રને યાદગાર જીત, સિરીઝ 2-2થી બરાબર

Advertisement

ભારતીય ક્રિકેટ ટીમે લંડનના ઓવલ મેદાનમાં ઈતિહાસ રચી દીધો છે. પાંચમી ટેસ્ટના પાંચમાં દિવસે ભારતે ઈંગ્લેન્ડને 6 રને પરાજય આપી સિરીઝ 2-2થી બરોબર કરી લીધી છે. પાંચમી ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડની જીતની આશા પ્રબળ હતી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગ કરી ભારતને રોમાંચક મેચમાં છ રને જીત અપાવી છે.

ભારત આ સાથે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 2-2થી બરોબર કરવામાં સફળ રહ્યું છે. ત્યારે અમે તમને ભારતની જીતના પાંચ હીરો વિશે જણાવીશું.

Advertisement

મોહમ્મદ સિરાજ : ઈંગ્લેન્ડ સામે પાંચેય ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજ રમ્યો છે. સિરાજે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવા સાથે સૌથી વધુ બોલિંગ પણ કરી છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સીનિયર બોલર તરીકે સિરાજ પર સૌથી વધુ જવાબદારી હતી. સિરાજે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. સિરાજે ઈંગ્લેન્ડની છેલ્લી વિકેટ લઈ ભારતને શાનદાર જીત અપાવી છે.

પ્રસિદ્ધ કૃષ્ણા: ભારતની જીતનો બીજો હીરો પ્રસિદ્ધ કૃષ્ણા રહ્યો. પ્રસિદ્ધે સિરાજ સાથે મળી શાનદાર બોલિંગ કરી હતી. બંનેએ ચોથા દિવસે ટી-બ્રેક બાદ કમાલની બોલિંગ કરી ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. પ્રસિદ્ધ કૃષ્ણાએ પ્રથમ ઈનિંગમાં 62 રન આપી 4 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં પ્રસિદ્ધે 27 ઓવર ફેંકી અને ચાર સફળતા મેળવી હતી. મેચમાં કુલ આઠ વિકેટ લીધી હતી.

યશસ્વી જયસવાલ : ભારતની જીતનો ત્રીજો હીરો યશસ્વી જાયસવાલ રહ્યો છે. પ્રથમ ઈનિંગમાં માત્ર 2 રન બનાવી આઉટ થનાર યશસ્વીએ બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. યશસ્વીએ 164 બોલમાં 14 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 118 રન બનાવી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.

કરૂણ નાયર: પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે એક બાદ એક વિકેટ ગુમાવી હતી. ત્યારે કરૂૂણ નાયરે ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય બાદ અડધી સદી ફટકારી હતી. કરૂૂણ નાયરે 109 બોલમાં 8 ચોગ્ગા સાથે 57 રન બનાવી ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આકાશ દીપ: ભારતને જીત અપાવવામાં આકાશ દીપની પણ મહત્વની ભૂમિકા રહી છે. આ વખતે આકાશ દીપે બોલ નહીં પરંતુ બેટથી કમાલ કર્યો હતો. ભારત બીજી ઈનિંગમાં મુશ્કેલીમાં હતું, ત્યારે આકાશ દીપને નાઇટ વોચમેન તરીકે મોકલવામાં આવ્યો હતો.

આકાશ દીપે ચોથા ક્રમે બેટિંગ કરતા 12 ચોગ્ગા સાથે 66 રન ફટકાર્યા હતા. તેણે યશસ્વી સાથે સદીની ભાગીદારી પણ કરી હતી. આ સાથે મેચમાં આકાશ દીપે બે વિકેટ પણ લીધી હતી.

સિરાજને DSP પદ પરથી મળશે મોટું પ્રમોશન? રવિ શાસ્ત્રીનો દાવો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને ચર્ચામાં છે. તેણે આ સિરીઝમાં કુલ 23 વિકેટ ઝડપીને શ્રેણીનો સૌથી સફળ બોલર બન્યો. આ અદ્ભુત પ્રદર્શન બાદ, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીએ મોટો દાવો કર્યો છે કે હૈદરાબાદ પરત ફરતા જ સિરાજને તેના વર્તમાન DSP પદથી બઢતી આપવામાં આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં મોહમ્મદ સિરાજનું પ્રદર્શન અસાધારણ રહ્યું છે. ઓવલ ટેસ્ટમાં તેણે કુલ 9 વિકેટ લઈને ભારતને ઐતિહાસિક જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ પણ મળ્યો આ સિરીઝમાં સિરાજ એકમાત્ર ભારતીય ફાસ્ટ બોલર હતો જેણે તમામ 5 ટેસ્ટ મેચ રમી હતી. તેણે કુલ 185.3 ઓવર ફેંકી અને 23 વિકેટ ઝડપી જે શ્રેણીમાં કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ છે પીઢ ખેલાડી રવિ શાસ્ત્રીએ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતા કહ્યું હતું કે હવે મોહમ્મદ સિરાજ હવે ડીએસપી રહેશે નહીં, હૈદરાબાદ પરત ફરતા જ તેને મોટું પ્રમોશન મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement