શૂટર મનુ ભાકરે નવો ઇતિહાસ રચ્યો
ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ અપાવીને ઈતિહાસ રચ્યો છે. 22 વર્ષની મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની ગઈ છે. મનુ બીજી સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી છે એ જોતાં તેના માટે બીજો મેડલ જીતીને એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બનીને નવો ઈતિહાસ સર્જવાની પણ તક છે. ઓલિમ્પિક ગેમ્સ જેવી વૈશ્ર્વિક સ્પર્ધાઓમાં કેવી જબરદસ્ત સ્પર્ધા હોય છે તેનું આ વધુ એક ઉદાહરણ છે. ભારતનાં મહાનતમ એથ્લેટ પી.ટી. ઉષા ઓલિમ્પિક ગેમ્સમાં સેક્ધડના સોમા ભાગ માટે મેડલ જીતવાથી ચૂકી ગયાં હતાં. મનુ ભાકરના કિસ્સામાં પણ એ ઘટનાનું પુનરાવર્તન થયું છે મનુ ભાકર માટે આ સિદ્ધિ બીજી રીતે પણ મહત્ત્વની છે.
2021ના ટોક્યો ઓલિમ્પિકમાં મનુની પિસ્તોલ તૂટી જતાં તે પૂરા શોટ્સ પણ નહોતી મારી શકી. મનુની પિસ્તોલ રિપેર થવામાં 20 મિનિટ લાગી હતી. એ દરમિયાન અડધી ગેમ પૂરી ખઈ ગઈ હતી. પિસ્તોલ રિપેર થઈ ગયા પછી મનુ માત્ર 14 શોટ જ ફાયર કરી શકી અને આખી ગેમ રમ્યા પહેલાં જ હારીને ફાઈનલ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મનુ ભાકર આ દેશના યુવાઓ માટે એ રીતે પણ પ્રેરણારૂૂપ છે કે, ભૂતકાળમાં મનુને આંખમાં ઈજા થઈ હોવા છતાં તેણે હાર ના માની અને સ્પોર્ટ્સને વળગી રહીને ઈતિહાસ રચ્યો. હરિયાણાના ઝજજરમાં જન્મેલી મનુ ભાકર સ્કૂલના દિવસોમાં ટેનિસ, સ્કેટિંગ અને બોક્સિંગ સહિતની સ્પોર્ટસમાં હાથ અજમાવ્યો હતો. મનુ ભાકરે થાન ટાથ નામની માર્શલ આર્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પણ જીત્યો હતો.
એક વાર બોક્સિંગની પ્રેક્ટિસ દરમિયાન મનુ ભાકરને આંખમાં ગંભીર ઈજા થતાં તેની બોક્સિંગની સફર પૂરી થઈ હતી. મનુ ભાકરે 12 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગમાં મેડલ અપાવ્યો છે. ભારતને શૂટિંગમાં છેલ્લો ઓલિમ્પિક મેડલ 2012માં મળ્યો હતો કે જ્યારે ગગન નારંગ અને વિજય કુમાર બંનેએ મેડલ જીત્યા હતા. રાજ્યવર્ધન સિંહ રાઠોડે 2004માં સિલ્વર મેડલ જીતાડીને ભારતને શૂટિંગમાં પહેલો મેડલ જીતાડ્યો પછી 2008માં બીજિંગ ઓલિમ્પિક્સમાં અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. અભિનવ બિન્દ્રા ભારત વતી વ્યક્તિગત રીતે ગોલ્ડ મેડલ જીતનારા પહેલા ખેલાડી હતા. 2012માં લંડન ઓલિમ્પિક્સમાં વિજય કુમારે સિલ્વર મેડલ અને ગગન નારંગે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકરે ભારતીય શૂટર્સની ક્ષમતા સામે ઊઠેલા તમામ સવાલોના જવાબ આપી દીધા છે અને સાબિત કર્યું છે કે, ભારતીય શૂટર્સ ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવા માટે લાયક છે.