RCBના ફાસ્ટ બોલર યશ દયાલ વિરૂધ્ધ જાતીય સતામણીનો કેસ
5 વર્ષથી શારીરિક-માનસિક શોષણનો આરોપ, કારકીર્દિ જોખમમાં
આઇપીએલ 2025નો ખિતાબ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ફાસ્ટ બોલર યશ દયાલ મોટી મુશ્કેલીમાં મુકાયો છે. ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ વિસ્તારમાં રહેતી એક છોકરીએ તેના પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.
છોકરીએ યશ દયાલ પર લગ્નની લાલચ આપીને આર્થિક, માનસિક અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે યશ દયાલે લાંબા સમયથી તેને લગ્નનું વચન આપ્યું હતું અને આ બહાને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. છોકરીએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે તે છેલ્લા 5 વર્ષથી યશ દયાલ સાથે રિલેશનશિપમાં હતી. આ સમય દરમિયાન, આરસીબીનો આ ફાસ્ટ બોલર તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કરતો રહ્યો.
યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે યશ દયાલ તેના સિવાય બીજી ઘણી છોકરીઓ સાથે સંબંધમાં હતો. આ સમય દરમિયાન પીડિતાએ પોલીસને વોટ્સએપ ચેટ સ્ક્રીનશોટ, વીડિયો કોલ અને ફોટાના પુરાવા આપ્યા હતા. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. યશ દયાલના પિતા કહે છે કે તે આ છોકરીને ઓળખતો નથી. મને સમજાતું નથી કે આ છોકરીએ આ આરોપો કેમ લગાવ્યા છે.
પીડિત મહિલાએ 21 જૂને સીએમ હેલ્પલાઈન પર આ ફરિયાદ કરી હતી. યુવતીનો આરોપ છે કે જ્યારે તેણે યશ દયાલને લગ્નના વચન અંગે પૂછપરછ કરવાનું શરૂૂ કર્યું, ત્યારે આ ફાસ્ટ બોલરે તેને માર માર્યો. મહિલાએ 14 જૂને મહિલા હેલ્પલાઈન નંબર 181 પર ફોન કર્યો હતો, પરંતુ ત્યાં કોઈ સુનાવણી થઈ ન હતી. આ પછી, તેને 21 જૂને સીએમ હેલ્પલાઇન પર ફરિયાદ કરવાની ફરજ પડી હતી.