ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રના સિતાંશુ કોટકની પસંદગી
22 જાન્યુઆરીથી રમાનારી T20 શ્રેણી સાથે જવાબદારી સંભાળશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ ઇંગ્લેન્ડ સામે રમાતી મર્યાદિત ઓવરોની હોમ સિરીઝ પહેલા ભારતીય ટીમના નવા બેટિંગ કોચની પસંદગી કરી છે. સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર સિતાંશુ કોટકને બોર્ડ દ્વારા આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોટક 22 જાન્યુઆરીથી રમાનારી પાંચ મેચની T20 શ્રેણી સાથે તેના કોચિંગ અભિયાનની શરૂૂઆત કરશે.
કોલકાતામાં રમાનાર પ્રથમ T20 મેચ પહેલા ભારતીય ટીમ ત્રણ દિવસીય પ્રેક્ટિસ કેમ્પનું આયોજન કરશે. અંગ્રેજી અખબાર અહેવાલ મુજબ, કોટક 18 જાન્યુઆરીએ આ કેમ્પમાં ભારતીય ટીમ સાથે બેટિંગ કોચ તરીકે જોડાશે. ભારતીય ટીમ હાલમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, અભિષેક નાયર (સહાયક કોચ), રેયાન ટેન ડોશેટ (સહાયક કોચ), મોર્ને મોર્કેલ (બોલિંગ કોચ) અને ટી દિલીપ (ફિલ્ડિંગ કોચ)ના માર્ગદર્શન હેઠળ રમી રહી છે.
કોટક નવેમ્બર 2024માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહેલી ભારત અ ટીમના મુખ્ય કોચ હતા. અગાઉ ઓગસ્ટ 2023માં, જ્યારે ભારતીય ટીમ T20 શ્રેણી માટે જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં આયર્લેન્ડ પ્રવાસ પર ગઈ હતી, ત્યારે કોટક તે ટીમના મુખ્ય કોચની ભૂમિકામાં હતા. 52 વર્ષના કોટકને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક મળી નથી. તેણે ભારતના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા સાથે સ્થાનિક સ્તરે સૌરાષ્ટ્ર માટે ઘણી મેચો રમી છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોટકે 130 મેચોમાં 41.76ની એવરેજથી 8,061 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 15 સદી અને 55 અડધી સદી ફટકારી છે. તેની લિસ્ટ-એ કારકિર્દીમાં, કોટકે 89 મેચોમાં 42.23ની સરેરાશથી 3,083 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 26 અડધી સદી ફટકારી છે. કોટકે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુજરાત લાયન્સના સહાયક કોચ તરીકે કામ કર્યું છે.