BCCI મીટિંગમાં રોહિતની સ્પષ્ટ વાત, નવા કેપ્ટનની શોધ શરૂ કરી દેજો
કાયમી કેપ્ટન તરીકે બૂમરાહના નામની પણ વિચારણા
પહેલા ન્યૂઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં ભારતના ધબડકાં બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી અળખામણા બનવા લાગ્યાં છે. બીસીસીઆઈ તો કેપ્ટન પદેથી રોહિતને હટાવવાનો પણ નિર્ણય લીધો છે. મુંબઈમાં બીસીસીઆઈની રિવ્યૂ મીટિંગ બોલાવી હતી જેમાં ટોચના અધિકારીઓ સહિત ગૌતમ ગંભીર અને રોહિત શર્મા પણ હાજર રહ્યા હતા.
રિપોર્ટ અનુસાર, રોહિતે મીટિંગમાં બીસીસીઆઈના ટોચના અધિકારીઓને સ્પસ્ટપણે જણાવી દીધું છે કે તે કમ સે કમ ચેમ્પિયન્સ ટ્રોફી સુધી કેપ્ટન બની રહેવા માગે છે અને તે પછી નવા કેપ્ટનની શોધ કરજો. જોકે રોહિતે એવું પણ કહ્યું હતું બીસીસીઆઈએ અત્યારથી નવા કેપ્ટનની શોધ શરુ કરી દેજો. રોહિતની વાત બાદ કાયમી કેપ્ટન તરીકે બૂમરાહના નામની પણ વિચારણા કરવામાં આવી હતી. બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટની સીરિઝમાં બે ટેસ્ટમાં કપ્તાની પણ કરી હતી જોકે ફાઈનલ ટેસ્ટમાં ઈજા થવાને કારણે તે બહાર રહ્યો હતો, બુમરાહની ઈજા વિશે પણ ચર્ચા થઈ હતી.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મુંબઈમાં સમીક્ષા બેઠક બોલાવી હતી. કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર, બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી દેવજીત સૈકિયા અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા સમીક્ષા બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠક લગભગ 2 કલાક ચાલી હતી. આ સમયગાળા દરમિયાન, મેનેજમેન્ટે ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમના પ્રદર્શનની પણ સમીક્ષા કરી હતી, જ્યાં રોહિત બ્રિગેડને ઘરઆંગણે ટેસ્ટ સિરિઝમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.