ગુજરાતને રેકોર્ડબ્રેક રનચેઝથી RCBએ હરાવ્યું, રિયા-એલિસની શાનદાર બેટિંગ
WPL 2025ની ત્રીજી સિઝનની પહેલી મેચ બરોડામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે યોજાઈ હતી.પહેલી જ મેચમાં મહિલા ખેલાડીઓએ કમાલ પ્રદર્શન કરી દર્શકોના દિલ જીતી લીધા હતા. બંને ટીમ વચ્ચે બરાબરીની ટક્કર જોવા મળી હતી અને અંતે બેંગલુરુએ ગુજરાતને રોમાંચક મેચમાં રેકોર્ડબ્રેક રનચેઝ કરી હરાવ્યું હતું.
WPL 2025ની પહેલી મેચમાં RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે તેનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ગુજરાતની ઓપનર્સ લૌરા વોલ્વાર્ડ અને બેથ મૂનીએ GGને મજબૂત શરૂૂઆત અપાવી હતી.
લૌરા વોલ્વાર્ડ (6) અને દયાલન હેમલતા (4) રન બનાવી સસ્તામાં આઉટ થઈ હતી. પરંતુ GGની પૂર્વ કેપ્ટન મૂની (56) અને વર્તમાન કેપ્ટન ગાર્ડનરે (79) બાજી સંભાળી હતી અને બંનેએ ફિફ્ટી પૂરી કરી હતી. એશ્ર્લે ગાર્ડનરે માત્ર 37 બોલમાં 79 રન ફટકાર્યા હતા. જેમાં 8 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. જેના દમ પર ગુજરાતે બેંગલુરુને જીતવા 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 202નો ટાર્ગેટ ચેઝ કરતા RCBની શરૂૂઆત ખરાબ રહી હતી અને પહેલી બે ઓવરમાં બંને ઓપનર મંધાના અને ડેનિયલ વ્યાટની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રાઘવી બિસ્ત અને એલિસ પેરીએ RCBની ઈનિંગને સંભાળી હતી અને સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો.
રાઘવી બિસ્ત 25 રન બનાવી આઉટ થઈ હતી. જે બાદ રિચા ઘોષ ક્રિઝ પર આવી હતી અને આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. પેરીએ 34 બોલમાં 57 અને રિચાએ 27 બોલમાં 64 રન ફટાકરી મેચ RCBના પક્ષમાં કરી દીધી હતી. રિચાએ 19મી ઓવરના ત્રીજા બોલ પર શાનદાર સિક્સર ફટકારી RCBને યાદગાર જીત અપાવી હતી.