રાજકોટમાં જન્મેલા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું હાર્ટ એટેકથી નિધન
ભારત માટે 33 ટેસ્ટ, 15 વન ડે રમ્યા હતા, ગાવસ્કર સાથે વિવાદી સંબંધ રહ્યાં હતા
ભારતીય ક્રિકેટ જગત માટે આજે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ભારતના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને ડાબોડી સ્પિનર દિલીપ દોશીનું 77 વર્ષની વયે લંડનમાં હૃદયરોગના હુમલાથી દુ:ખદ નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
દિલીપ રસિકલાલ દોશીનો જન્મ 22 ડિસેમ્બર, 1947ના રોજ રાજકોટ, ગુજરાતમાં થયો હતો. જોકે, પાછળથી તેઓ કોલકાત માં સ્થાયી થયા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂૂઆત 1979માં, 32 વર્ષની ઉંમરે કરી હતી, પરંતુ તરત જ તેઓ ભારતીય બોલિંગ આક્રમણમાં કપિલ દેવના મુખ્ય સાથી બની ગયા હતા. તેમની સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલિંગ શૈલી અને ઇમેક્યુલેટ કંટ્રોલ ઓફ ફ્લાઇટ એન્ડ ટર્ન (બોલને હવામાં નિયંત્રિત કરવાની અને ટર્ન કરવાની અદભુત ક્ષમતા) તેમને ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં ઘણા સમય પહેલાથી જ ખૂબ માન અપાવતી હતી.
શ્રી દોશીએ ભારત માટે 1979 થી 1983 દરમિયાન કુલ 33 ટેસ્ટ મેચ અને 15 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 55 ઇનિંગ્સમાં 9322 બોલ ફેંકીને 2350 રન આપીને 114 વિકેટ ઝડપી હતી. તેમનો સર્વશ્રેષ્ઠ બોલિંગ દેખાવ એક ઇનિંગ્સમાં 6/102 અને એક મેચમાં 8/103 હતો.
ખાસ વાત એ છે કે, તેઓ અને સુપ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયન લેગસ્પિનર ક્લેરી ગ્રિમમેટ બે જ એવા બોલર છે જેમણે 30 વર્ષથી વધુ ઉંમરે ટેસ્ટ ડેબ્યુ કર્યા બાદ 100 વિકેટનો આંકડો પાર કર્યો હતો. વન ડેમાં તેમણે 15 મેચમાં 792 બોલ ફેંકીને 524 રન આપીને 22 વિકેટ લીધી હતી.
સુનીલ ગાવસ્કર સાથેના તેમના સંબંધો - ખાસ કરીને 1982-83ના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન - તેમની ટેસ્ટ કારકિર્દીમાં અવરોધનું મુખ્ય કારણ બન્યા હતા, જેના કારણે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અપેક્ષા કરતાં વહેલી પૂરી થઈ હતી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ તેમનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો હતો, જ્યાં તેમણે 238 મેચમાં 489 વિકેટ ઝડપી હતી. બેટિંગમાં તેઓ ભલે મુખ્યત્વે બોલર હતા, પરંતુ ટેસ્ટમાં તેમણે 38 ઇનિંગ્સમાં 129 રન બનાવ્યા હતા.