મહિલા વન ડે વર્લ્ડ કપનો પ્રથમ મેચ કર્ણાટકમાં રમાવા સામે પ્રશ્ર્નાર્થ
KSCAએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આયોજનની પરવાનગી જ લીધી નથી
મહિલા વનડે વર્લ્ડ કપ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજાવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂૂ થશે અને 2 નવેમ્બર સુધી ચાલશે, જેમાં વિશ્વની ટોચની 8 ટીમો ભાગ લેશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યા છે, પરંતુ વર્લ્ડ કપ શરૂૂ થવાના લગભગ 2 મહિના પહેલા એક ખરાબ સમાચાર આવ્યા છે.
ક્રિકબઝ અનુસાર, કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનએ હજુ સુધી કર્ણાટક સરકાર પાસેથી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ મેચોનું આયોજન કરવા માટે પરવાનગી લીધી નથી. KSCA એ હજુ સુધી રાજ્ય સરકાર પાસેથી પરવાનગી ન લેવી એ ચિંતાનો વિષય છે, કારણ કે ટૂર્નામેન્ટની પહેલી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે અહીં રમાનારી છે. સમગ્ર ટુર્નામેન્ટમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમને કુલ 4 મેચ ફાળવવામાં આવી છે, જેમાંથી એક સેમિફાઇનલ મેચ પણ છે.
વર્લ્ડ કપ મેચોના આયોજન અંગે અનિશ્ચિતતાનું કારણ જૂનમાં બેંગ્લોરમાં થયેલી ભાગદોડની ઘટના છે, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે દુ:ખદ ઘટના પછી, કર્ણાટક સરકારે હજુ સુધી ચિન્નાસ્વામી સ્ટેડિયમને મેચોનું આયોજન કરવાની મંજૂરી આપી નથી. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનને પણ મહારાજા ટી20 ટુર્નામેન્ટ મૈસુરુ ખસેડવી પડી હતી.
ક્રિકબઝ અનુસાર, KSCAના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે અને જવાબની રાહ જોઈ રહ્યા છીએ. એવું નથી કે સરકારે મેચોનું આયોજન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. જો આવી કોઈ નીતિ હોત, તો તેઓ મૈસુરુમાં મહારાજા ટી20 ટુર્નામેન્ટનું આયોજન ન કરે. તેથી જ અમે હવે રાહ જોઈ રહ્યા છીએ. ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચ 30 સપ્ટેમ્બરે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આ ઉપરાંત, 3 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની મેચ અને 26 ઓક્ટોબરે ભારત વિરુદ્ધ બાંગ્લાદેશની મેચ પણ અહીં રમાનારી છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમને બીજી સેમિફાઇનલ મેચનું આયોજન પણ મળ્યું છે.