132 વર્ષ જૂની ડુરેન્ડ કપ ટૂર્નામેન્ટની 3 ટ્રોફીનું રાષ્ટ્રપતિના હસ્તે અનાવરણ
27 જુલાઇથી 31 ઓગસ્ટ વચ્ચે 24 ટીમો વચ્ચે રમાશે ટૂર્નામેન્ટ
ભારત જેવા ક્રિકેટપ્રેમી દેશમાં છેલ્લાં 100થી વધુ વર્ષોથી ફુટબોલની ડુરેન્ડ કપ ટુર્નામેન્ટ યોજાય છે. આ વર્ષે 27 જુલાઈથી 31 ઑગસ્ટ વચ્ચે ભારતની 24 ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટની 133મી સીઝનની શરૂૂઆત થશે. એશિયાની પહેલી અને દુનિયાની પાંચમી સૌથી જૂની આ ટુર્નામેન્ટ નોર્થ-ઈસ્ટનાં ચાર શહેરોમાં યોજાશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને નૌકાદળના વડા ઍડ્મિરલ દિનેશ કુમાર ત્રિપાઠી પણ હાજર હતા.
ભારતીય સેના દ્વારા ત્રણેય સેના વતી અને ઑલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશનના નેજા હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. 1888થી રમાતી આ ટુર્નામેન્ટના વિજેતાને શિમલા કપ, પ્રેસિડન્ટ કપ અને ડુરેન્ડ કપની ટ્રોફી એનાયત કરવામાં આવે છે.