ખેલાડીઓ મરજી મુજબ મેચ પસંદ કરી શકશે નહીં, BCCI કસસે લગામ
વર્કલોડના બહાને મેચ રમવાનું ટાળનારા સામે નિયમ લાવવા તૈયારી, પસંદગી સમિતિ-ગંભીર આ મામલે એકમત
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એક મહત્વપૂર્ણ અને કડક નિયમ લાવવા વિચારી રહ્યું છે. આ નવા નિયમનો મુખ્ય હેતુ ટીમમાં ચાલી રહેલી ‘સ્ટાર સંસ્કૃતિ’ને સમાપ્ત કરવાનો છે, જેમાં ખેલાડીઓ પોતાના વર્કલોડના બહાને પોતાની પસંદગીની મેચ રમવાનું ટાળે છે. જો આ નિયમ લાગુ થશે, તો ખેલાડીઓ ભવિષ્યમાં પોતાની ઈચ્છા મુજબ મેચ પસંદ કરી શકશે નહીં, જેનાથી ખાસ કરીને ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડીઓ પર સીધી અસર પડશે.
BCCI ના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળ, બોર્ડ ખેલાડીઓની મેચ પસંદ કરવાની પ્રથા પર અંકુશ લગાવવા માટે નવો નિયમ લાવવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો મુજબ, આ નિયમનો હેતુ એ છે કે ખેલાડીઓ વર્કલોડ મેનેજમેન્ટના નામે મેચો છોડી ન શકે. BCCI મેનેજમેન્ટ, પસંદગી સમિતિ અને ગંભીર આ મામલે એકમત છે અને ટૂંક સમયમાં ખેલાડીઓને આ અંગે સ્પષ્ટ સંદેશ મોકલવામાં આવશે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય ટીમમાં શિસ્ત અને સમર્પણ વધારવાનો છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ ભારે વર્કલોડ છતાં તમામ મેચો રમ્યા છે. આ નિયમ ખાસ કરીને એવા ખેલાડીઓને લાગુ પડશે જે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે, ઝ20) માં રમે છે. તેમને સ્પષ્ટ સંદેશ આપવામાં આવશે કે ભવિષ્યમાં તેમની મરજી મુજબ મેચ પસંદ કરવાની આ સ્વતંત્રતા સહન કરવામાં આવશે નહીં.
જોકે, આનો અર્થ એ નથી કે વર્કલોડને સંપૂર્ણપણે અવગણવામાં આવશે. ભવિષ્યમાં, ખેલાડીના વર્કલોડ અંગેના નિર્ણયો વૈજ્ઞાનિક તથ્યો અને વાસ્તવિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવશે. આ પહેલા પણ BCCI એ ખેલાડીઓના પરિવારના સભ્યો પર અમુક પ્રતિબંધો લાદ્યા હતા, જેનાથી બોર્ડની કડક નીતિનો સંકેત મળે છે. આ ચર્ચા વચ્ચે, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને વર્કલોડના પડકારને સ્વીકાર્યો. તેણે શ્રેણીની પાંચેય મેચમાં કુલ 185.3 ઓવર બોલિંગ કરી, ઉપરાંત ફિલ્ડિંગ અને પ્રેક્ટિસ પણ કરી. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ ફિટનેસ સમસ્યાઓ હોવા છતાં લાંબા સ્પેલ બોલિંગ કરી હતી. આ ઉદાહરણો દર્શાવે છે કે સમર્પિત ખેલાડીઓ પડકારોનો સામનો કરે છે, જ્યારે કેટલાક ખેલાડીઓ માટે વર્કલોડ મેનેજમેન્ટ એક બહાનું બની જાય છે. BCCI નો આ નવો નિયમ આ પ્રકારની પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકીને ટીમમાં વધુ શિસ્ત અને સમર્પણ લાવવા માટે એક મોટું પગલું બની શકે છે.