પાકિસ્તાન મહિલા ટીમની ફૂટેલી કિસ્મત, વરસાદના કારણે જીતનો કોળિયો છીનવાયો
હવે સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની દોડમાંથી લગભગ બહાર
મહિલા વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમે તેની પહેલી ત્રણે મેચ હાર્યા બાદ ચોથી મેચમાં સારું કમબેક કર્યું હતું, જોકે, વરસાદે તેની બાજી બગાડી હતી, વરસાદ પાકિસ્તાનની ટીમ માટે અનલકી સાબિત થયો હતો, પાકિસ્તાનને પહેલા શાનદાર બોલિંગ કર્યા બાદ બેટિંગમાં પણ સારી શરુઆત કરી હતી ટીમ જીત માટે ઝંખી રહી છે. એવું લાગતું હતું કે તેઓ ઇંગ્લેન્ડ સામે પોતાનો પહેલો વિજય નોંધાવી શકશે, પરંતુ વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. પોઈન્ટ વહેંચવાની ફરજ પડી હોવાથી, પાકિસ્તાન હવે સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની દોડમાંથી લગભગ બહાર થઈ ગયું છે.
પાકિસ્તાનની ટીમ મહિલા વર્લ્ડ કપમાં જીત માટે ઝંખી રહી છે. પાકિસ્તાન પાસે ઇંગ્લેન્ડ સામે પોતાનો પહેલો વિજય નોંધાવવાની સુવર્ણ તક હતી, પરંતુ સતત વરસાદને કારણે તેમને ચાર વખતના ચેમ્પિયન સાથે પોઈન્ટ વહેંચવાની ફરજ પડી હતી. કેપ્ટન ફાતિમા સનાની ચાર વિકેટે પાકિસ્તાનને પિચના ઉછાળા અને ગતિનો લાભ ઉઠાવવામાં મદદ કરી અને વરસાદથી ઘટાડાયેલી 31 ઓવરની મેચમાં ઇંગ્લેન્ડને નવ વિકેટે 133 રન પર રોકી દીધું હતું. જવાબમાં, પાકિસ્તાનને ડકવર્થ-લુઇસ સિસ્ટમના આધારે 113 રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ઓપનર મુનીબા અલી (9) અને ઓમૈમા સોહેલ (19)એ મજબૂત શરૂૂઆત આપી હતી, 6.4 ઓવરમાં કોઈ નુકસાન વગર 34 રન બનાવી લીધા હતા.
વરસાદ ચાલુ રહેતાં મેચ રદ કરવામાં આવી હતી, જેના કારણે સેમિફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. પાકિસ્તાન ટુર્નામેન્ટમાં જીત વિનાનું રહ્યું છે અને ત્રણ હાર બાદ, ટેબલમાં સૌથી નીચે છે. તેમની પાસે ફક્ત એક જ પોઈન્ટ છે અને હવે તેનો સામનો ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામે થવાનો છે. બીજી તરફ, ઈંગ્લેન્ડ સાત પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયાના પણ સાત પોઈન્ટ છે, પરંતુ તેમનો રન રેટ 1.35 છે, જ્યારે ઈંગ્લેન્ડનો રન રેટ 1.86 છે.