ફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને શ્રીલંકા-બાંગ્લાદેશને હરાવવા ફરજિયાત
ભારતનું સ્થાન નિશ્ચિત, કાલે બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાનો સુપર-4નો મુકાબલો
એશિયા કપ 2025માં ક્રિકેટ પ્રેમીઓને ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળી શકે છે. અત્યાર સુધીમાં, આ બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ છે, અને બંનેમાં ભારતનો વિજય થયો છે. જોકે, સુપર-4ના સમીકરણો જોતાં એવી પ્રબળ શક્યતા છે કે આ બંને ટીમો ફાઇનલમાં ફરીથી ટકરાશે. ભારત અને પાકિસ્તાન બંને હાલ સુપર-4ની રેસમાં છે અને જો તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચના બે સ્થાન મેળવશે તો ફાઇનલમાં ત્રીજી વાર સામ-સામે આવશે.
એશિયા કપ 2025માં 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી હવે માત્ર 4 ટીમો - ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ - ટાઇટલની રેસમાં બાકી છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ-એમાંથી ક્વોલિફાય થયા છે, જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશ ગ્રુપ-બીમાંથી સુપર-4માં પહોંચ્યા છે.
સુપર-4ના અંતે પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો વચ્ચે ફાઇનલ રમાશે. ભારતે પોતાની પ્રથમ મેચ જીતી લીધી હોવાથી તેનું ફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત છે. હવે બાકીની ટીમો વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે સ્પર્ધા છે.
ભારતનો આગામી મુકાબલો 24 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ સામે છે. આ મેચ જીતવાથી ભારતનું ફાઇનલનું સ્થાન પાકું થઈ જશે. જયારે પાકિસ્તાને ફાઇનલમાં પહોંચવા માટે તેની બાકીની બંને મેચ જીતવી અનિવાર્ય છે. પાકિસ્તાનનો આગામી મુકાબલો આજે શ્રીલંકા સામે છે, અને ત્યારબાદ 25 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ સામે ટકરાશે. જો પાકિસ્તાન આ બંને મેચ જીતશે, તો તે સરળતાથી ફાઇનલમાં પહોંચી જશે.
એશિયા કપ 2025ની ફાઇનલ મેચ રવિવાર, 28 સપ્ટેમ્બરના રોજ રમાશે. જો ભારત અને પાકિસ્તાન બંને ફાઇનલમાં પહોંચશે, તો આ સતત ત્રીજા રવિવારે આ બંને મહાન હરીફો વચ્ચે મેચ રમાશે. આ મેચ પાછલી બે મેચો કરતાં વધુ રોમાંચક અને મહત્વની હશે, કારણ કે તે ટાઇટલ માટેનો જંગ હશે.
સુપર-4માં 1-1 મેચ પછીની પરિસ્થિતિ
ભારત: 1 જીત, 0 હાર (2 પોઈન્ટ, નેટ રન રેટ: 0.689) - પ્રથમ સ્થાને.
બાંગ્લાદેશ: 1 જીત, 0 હાર (2 પોઈન્ટ, નેટ રન રેટ: 0.121) - બીજા સ્થાને.
શ્રીલંકા: 0 જીત, 1 હાર (0 પોઈન્ટ, નેટ રન રેટ: -0.121) - ત્રીજા સ્થાને.
પાકિસ્તાન: 0 જીત, 1 હાર (0 પોઈન્ટ, નેટ રન રેટ: -0.689) - ચોથા સ્થાને.