OMG, 50 ઓવરની મેચ માત્ર પાંચ બોલમાં જ ખતમ
અન્ડર 19 વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની ટીમ માત્ર 23 રનમાં ઓલઆઉટ
ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે. તેમાં ક્યારે શું થઈ જાય તેનો અંદાજ ન લગાવી શકાય. આવી એક ઘટના સામે આવી છે, જેણે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. જી હાં, એક વનડે મેચમાં એક ટીમે માત્ર પાંચ બોલમાં જીત મેળવી. આ વનડે મેચ 50 ઓવરની હતી. તમે વિચારી રહ્યાં હશો કે આ કઈ રીતે થઈ શકે છે.
આ ઘટના આઈસીસી પુરૂૂષ અન્ડર-19 વર્લ્ડ કપ અમેરિકા ક્વોલીફાયર્સના એક મેચમાં બની છે. જ્યાં કેનેડાની અન્ડર-19 ટીમે આર્જેન્ટીનાની અન્ડર-19 ટીમને 50 ઓવરની મેચમાં માત્ર પાંચ બોલમાં હરાવી દીધી. આ મેચે ક્રિકેટ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
મહત્વનું છે કે આ મેચમાં આર્જેન્ટીના અન્ડર-19 ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ટીમનો આ નિર્ણય ખોટો સાબિત થયો. કેનેડા અન્ડર-19 ટીમની ઘાતક બોલિંગ સામે આર્જેન્ટીનાની અન્ડર-19 ટીમ માત્ર 19.4 ઓવરમાં 23 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના સાત ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા. ટીમ તરફથી માત્ર એક ચોગ્ગો અને એક સિક્સ ફટકારવામાં આવી હતી. ચોંકાવનારી વાત છે કે ટીમનો કોઈ ખેલાડી બે આંકડામાં પહોંચી શક્યો નહીં.
24 રનના સામાન્ય લક્ષ્યને કેનેડાની અન્ડર-19 ટીમે માત્ર 5 બોલમાં હાસિલ કરી લીધો હતો. કેનેડા અન્ડર-19 માટે યુવરાજ સામરાએ 4 બોલમાં બે ફોર અને બે સિક્સ ફટકારી. આર્જેન્ટીનાની ટીમે ત્રણ રન એક્સ્ટ્રા આપ્યા હતા. તો બીજા ઓપનર ધર્મ પટેલે એક બોલમાં એક રન બનાવ્યા હતો. આ રીતે પાંચ બોલમાં 24 રનનો લક્ષ્ય હાસિલ કરી લેવામાં આવ્યો હતો.