હવે કોઇ નહીં બની શકે ‘કેપ્ટન કૂલ’ એમ.એસ. ધોનીની ટ્રેડમાર્ક માટે અરજી
પ્રભા સ્કિલ સ્પોટ્ર્સ પ્રાઇવેટ કંપનીએ પણ અરજી કરી છે
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે. ધોની 7 જુલાઈએ 44 વર્ષનો થશે. તે પહેલાં તેણે પોતાને જન્મદિવસની ભેટ આપવાનું નક્કી કર્યું છે. વાસ્તવમાં, તેણે ‘કેપ્ટન કૂલ’ શબ્દ માટે ટ્રેડમાર્ક ફાઇલ કર્યો છે. તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં પણ ધીરજ સાથે નિર્ણયો લેવા બદલ ધોનીને ‘કેપ્ટન કૂલ’ કહેવામાં આવે છે.
ટ્રેડમાર્ક્સ રજિસ્ટ્રી પોર્ટલ અનુસાર, એમએસ ધોનીની અરજીની સ્થિતિ મંજૂર છે. આ ટ્રેડમાર્ક રમતગમત ટ્રેનિંગ, રમતગમત કોચિંગ સેવાઓ પ્રદાન કરવાની શ્રેણી હેઠળ નોંધાયેલ છે. અત્યાર સુધી ધોનીએ પોતે આ સંદર્ભમાં કોઈ નિવેદન જારી કર્યું નથી. અહેવાલ મુજબ, પ્રભા સ્કિલ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ પણ ‘કેપ્ટન કૂલ’ શબ્દ માટે અરજી કરી છે.
નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીને તેમના કેપ્ટનશીપના દિવસોમાં કેપ્ટન કૂલનું બિરુદ મળ્યું હતું. 2007 ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ હોય કે 2011 ઓડીઆઇ વર્લ્ડ કપની ઐતિહાસિક મેચ, ધોનીએ હંમેશા મુશ્કેલ સમયમાં ધીરજ અને સમજણ સાથે ટીમને વિજય અપાવ્યો. વિકેટ પાછળથી મેદાનના દરેક ભાગ પર નજર રાખનારા ધોનીએ પોતાની હોશિયારી અને શાંત સ્વભાવથી ઘણી વખત મેચનું ચિત્ર બદલી નાખ્યું. આ કારણોસર, તેમને કેપ્ટન કૂલ કહેવામાં આવવા લાગ્યા અને હવે તે ઓળખ તેમનો ટ્રેડમાર્ક બની ગઈ છે.