એક વર્ષ બાદ આમને-સામને ટકરાશે નીરજ ચોપરા અને અરશદ નદીમ
આગામી 13થી 21 દરમિયાન ટોકયોમાં યોજાશે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ
ભારતીય જેવલિન સ્ટાર નીરજ ચોપરા અને પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ આ મહિનાના અંતમાં ટોક્યોમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. પેરિસ ઓલિમ્પિકમાં બંને વચ્ચેની યાદગાર ફાઈનલ પછી આ પહેલીવાર હશે જ્યારે આ દિગ્ગજો મેદાનમાં સ્પર્ધા કરતા જોવા મળશે. ભારત માટે, વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરા 13થી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં 19 સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે. બીજી તરફ, પાકિસ્તાનની બધી આશાઓ ફક્ત નદીમ પર ટકેલી છે, જે ટીમનો એકમાત્ર પ્રતિનિધિ હશે. નદીમે પેરિસ ઓલિમ્પિકમાં 92.97 મીટરના રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો અને નીરજને પાછળ છોડી દીધો.
જર્મનીના જુલિયન વેબરે આ સિઝનમાં ત્રણ વખત 90 મીટરથી વધુનો થ્રો કર્યો છે અને તે ટાઈટલ માટે મજબૂત દાવેદાર છે. નીરજે આ વર્ષે દોહા ડાયમંડ લીગમાં તેની કારકિર્દીનો પ્રથમ 90 મીટર (90.23 મીટર) નો થ્રો કર્યો હતો. આ ઉપરાંત ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ, કેન્યાનો જુલિયસ યેગો, ત્રિનિદાદ અને ટોબેગોનો કેશોર્ન વોલકોટ, બ્રાઝિલનો લુઇઝ મૌરિસિયો અને ચેક રિપબ્લિકનો જેકુબ વાડલેજ પણ પડકાર ફેંકશે.