મારું રિટેન્શન પૈસાને લઈને નહોતું, પંતનો સુનિલ ગાવસ્કરને જવાબ
દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ કેપ્ટન ઋષભ પંતને આઈપીએલ 2025 માટે રિટેન કરવામાં આવ્યો નથી. ત્યારે સ્ટાર સ્પોર્ટ્સ સાથે સુનીલ ગાવસ્કરની વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ગાવસ્કર કહી રહ્યાં છે કે, બની શકે છે દિલ્હી મેગા ઓક્શનમાં તેના પર ફરી બોલી લગાવે. પરંતુ પંતે મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરના અનુમાનનું ખંડન કર્યું કે, તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શન પહેલા પોતાની રિટેન્શન ફીને લઈને મતભેદ થવાથી દિલ્હી કેપિટલ્સ ટીમ છોડી છે.
સુનીલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, હરાજીના સમીકરણ અલગ હોય છે. આપણને નથી ખબર કે એ કઈ રીતે થશે. પરંતુ મારુ માનવું છે કે, દિલ્હીની ટીમ ફરી ઋષભ પંતને ખરીદવા ઇચ્છશે. ઘણીવાર રિટેન્શનના સમયે ફ્રેન્ચાઈઝી અને ખેલાડી વચ્ચે ફીને લઈને વાત થાય છે. બની શકે કે ત્યાં કોઈ મતભેદ થયા હોય. પંતે પણ આ વીડિયો જોયો અને તેના પર રિપ્લાય આપ્યો.
પંતે સ્ટાર સ્પોર્ટ્સને રિપ્લાઈ આપતા એક્સ પર લખ્યું, મારુ રિટેન્શન પૈસાને લઈને નહોતું. આ હું દાવાથી કહી શકું છું. જણાવી દઈએ કે, ગાવસ્કરે કહ્યું હતુ કે તેને આશા છે કે, દિલ્હી ટીમ પંતને ફરી ખરીદશે. તેણે એ પણ કહ્યું હતુ કે, કદાચ ફ્રેન્ચાઈઝી સાથે ફીને લઈને મતભેદ થતા પંતે ટીમ છોડી હોય.