બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન સામે હત્યાનો ગુનો
શાકિબ શેખ હસીનાની પાર્ટીમાંથી સાંસદ તરીકે ચૂંટાયા છે
બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનની મુશ્કેલી વધી છે. શાકિબ અલ હસન સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ શાકિબ અલ હસન પાકિસ્તાનના પ્રવાસે છે. પરંતુ આ કેસ બાદ તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બાંગ્લાદેશી મીડિયા અનુસાર, મૃતક રુબેલના પિતા રફીકુલ ઇસ્લામે ઢાકાના અદબોર પોલીસ સ્ટેશનમાં શાકિબ અલ હસન સામે કેસ દાખલ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રુબેલ મજૂર હતો, તેનું મોત વિરોધ પ્રદર્શન દરમિયાન થયું હતું.
શાકિબ અલ હસન સિવાય બાંગ્લાદેશી એક્ટર ફિરદૌસ અહેમદ સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે શાકિબ અલ હસન 28મો જ્યારે ફિરદૌસ અહેમદ 55મો આરોપી છે. આ ઉપરાંત અન્ય આરોપીઓમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના, ઔબેદુલ કાદર અને અન્ય 154 લોકો સામેલ છે. એવું જણાવાય રહ્યું છે કે, આ મામલામાં આશરે 400-500 અજ્ઞાત લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત 5 ઓગસ્ટે રુબેલ એડબોર રિંગ રોડમાં વિરોધ માર્ચમાં ભાગ લેવા પહોંચ્યો હતો. આ રેલીમાં કોઈએ કથિત રીતે સુનિયોજિત કાવતરા હેઠળ ભીડ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં રુબેલનું મોત થયું હતું.
જણાવી દઈએ કે, શાકિબ અલ હસન અને ફિરદૌસ અહેમદ શેખ હસીનાની પાર્ટી આવામી લીગની ટિકિટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. જોકે, શેખ હસીનાની સરકાર સત્તાથી દૂર થયા પછી બંનેનું સંસદ પદ છીનવાઈ ગયું છે. હાલ શાકિબ અલ હસન બાંગ્લાદેશની ટીમ સાથે પાકિસ્તાન પ્રવાસે છે. અહીં બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 2 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે.