4થી 12 જૂન દરમિયાન રમાશે મુંબઇ T-20 લીગ
આઠ ટીમો વચ્ચે 23 મેચ, વાનખેડે અને પાટીલ સ્ટેડિયમમાં રમાશે
મુંબઈ ક્રિકેટ અસોસિએશને T-20 મુંબઈ લીગની ત્રીજી સીઝન માટે નવા શેડ્યુલની જાહેરાત કરી છે જે હવે ચોથીથી 12 જૂન દરમ્યાન બે સ્થળોએ રમાશે. અગાઉ આ ટુર્નામેન્ટ સંપૂર્ણપણે વાનખેડે સ્ટેડિયમમાં 26 મેથી 8 જૂન સુધી રમવાની હતી, પરંતુ હવે કેટલીક મેચ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં પણ યોજાશે.
આ ટુર્નામેન્ટ IPLના સમાપન પછી શરૂૂ થશે લીગ તબક્કા દરમ્યાન બન્ને સ્થળોએ દિવસમાં ચાર મેચ રમાશે. ડી. વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે સવારે 10.30 વાગ્યે અને સાંજે 5.30 વાગ્યે, જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2.30 અને સાંજે 7.30 વાગ્યે મેચ યોજાશે.
ત્રીજી સીઝનમાં કુલ આઠ ટીમો વચ્ચે લીગ સ્ટેજની 20 સહિત 23 મેચ રમાશે. દરેક ટીમ લીગ તબક્કામાં પાંચ મેચ રમશે અને ટોચની ચાર ટીમો સેમી-ફાઇનલમાં પ્રવેશ કરશે. 10 જૂને સેમી-ફાઇનલની બે મેચ અને 12 જૂને ફાઇનલ મેચ વાનખેડે સ્ટેડિમમાં રમાશે. 11 અને 13 જૂન, નોકઆઉટ મેચો માટે રિઝર્વ-ડે તરીકે રહેશે.