ટી-20 આંતરરાષ્ટ્રીય ફોર્મટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર કેપ્ટન બન્યો મોહમ્મદ વસીમ
અફઘાનિસ્તાન સામે 37 બોલમાં 67 રનની શાનદાર ઇનિંગ પણ રમી
UAEના કેપ્ટન મોહમ્મદ વસીમે અફઘાનિસ્તાન સામે તોફાની અડધી સદી ફટકારીને પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. ત્રિકોણીય શ્રેણીની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાન સામે વસીમે માત્ર 37 બોલમાં 67 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.
મોહમ્મદ વસીમ T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યો છે. તેણે ભૂતપૂર્વ ભારતીય T20 કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે. વસીમે કેપ્ટન તરીકે 106 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માએ 35 મેચમાં 105 છગ્ગા ફટકાર્યા હતા.
જ્યારે UAE માટે કેપ્ટન મોહમ્મદ વસીમે સારી ઇનિંગ્સ રમી હતી, ત્યારે ટીમનું પ્રદર્શન પ્રશંસનીય નહોતું. UAEને અફઘાનિસ્તાન સામે 38 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન ત્રિકોણીય શ્રેણીમાં UAEનો આ સતત બીજો પરાજય હતો. અગાઉ, તેને પાકિસ્તાન સામે 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. શારજાહમાં રમાયેલી મેચમાં, અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. જવાબમાં UAEની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 150 રન બનાવી શકી હતી. કેપ્ટન વસીમ ઉપરાંત, રાહુલ ચોપરાએ અણનમ 52 રન બનાવ્યા હતા.