મેચ હારી ગયા, પણ જંગ જીતી ગયા, હેરિસ રઉફની પત્નીએ ઘી હોમ્યું
ભારત-પાક. વિવાદ અંગે વિવાદાસ્પદ પોસ્ટ મૂકી
એશિયા કપમાં ભારતની પાકિસ્તાન પર ઐતિહાસિક જીત બાદ વિવાદ રોકાવાનું નામ નથી લેતો. પહેલા સાહિબઝાદા ફરહાનની ગન સ્ટાઈલ સેલિબ્રેશન...ત્યાર બાદ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ દરમ્યાન હારિસ રઉફે જે વાહિયાત હરકત કરી તેના કારણે મામલો વધારે ગરમ થઈ ગયો છે. આ ધખધખી રહેલા વિવાદ પર હારિસ રઉફની પત્નીએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે.
ભારત-પાકિસ્તાનની મેચ દરમ્યાન બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરતી વખતે હારિસ રઉફ કેવી રીતે ઇન્ડિયન ચાહકો તરફ 6-0નો ઇશારો કરી રહ્યો હતો. આ વાયરલ વીડિયોમાં હારિસ રઉફ વિમાન પડવાનો ઇશારો પણ કરતો દેખાયો હતો, જેના કારણે દર્શકો વધારે ભડકી ગયા હતા. જાણકારોનું કહેવું છે કે રઉફ ઇશારાથી એ કહેવા માગતો હતો કે કેવી રીતે ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય સંઘર્ષ દરમ્યાન છ ભારતીય લડાકૂ વિમાનોને પાકિસ્તાની આર્મીએ પાડી દીધા હતા.
હવે હારિસ રઉફની પત્ની મુઝના મસૂદ મલિકે ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિની એક તસવીર સ્ટોરી પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે, મેચ હારી ગયા, પણ જંગ જીતી ગયા. જો કે વિવાદ વધતો જોઈ તેણે તેને ડિલીટ પણ કરી દીધું હતું. મેચ દરમ્યાન રઉફની અભિષેક શર્મા સાથે બાઉન્ડ્રી લાગ્યા બાદ દલીલો થઈ ગઈ. મેદાન પર તણાવ વધી ગયો અને અભિષેકે મેચ બાદ કહ્યું કે પાકિસ્તાની બોલર તેમને કારણ વિના ઉશ્કેરી રહ્યા હતા.