હરીફ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થતા લક્ષ્ય સેનની જીત અમાન્ય
નવા ખેલાડી સામે ફરીથી મેચ રમવી પડશે
પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે મોટા સમાચાર આવ્યા છે. ભારતના લક્ષ્ય સેને રવિવારે યોજાયેલી બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં પ્રથમ રાઉન્ડની મેચ જીતી હતી. પરંતુ હવે તેમની જીતને અમાન્ય જાહેર કરવામાં આવી છે. કારણ કે લક્ષ્ય સેને જે ખેલાડીને હરાવ્યો હતો તે ઈજાના કારણે ઓલિમ્પિક ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં હવે લક્ષ્યને ફરીથી મેચ રમવી પડશે. વાસ્તવમાં રવિવારે ભારતના લક્ષ્ય સેન અને ગ્વાટેમાલાના કેવિન કોર્ડન ઓલિમ્પિકમાં બેડમિન્ટન મેન્સ સિંગલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. લગભગ 42 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં ભારતીય શટલર લક્ષ્ય સેને કેવિનને 21-8, 22-20થી હરાવ્યો હતો. લક્ષ્યે પહેલી ગેમ 14 મિનિટમાં 21-8થી જીતીને શાનદાર શરૂૂઆત કરી હતી. જોકે, કેવિને બાદમાં વાપસી કરી હતી.
પરંતુ અંતે લક્ષ્યે સતત છ પોઈન્ટ મેળવીને મેચ જીતી લીધી હતી.કહેવામાં આવી રહ્યું છે કે કેવિન કોર્ડન કોણીની ઈજાને કારણે બહાર થઇ ગયો છે. તે ઓલિમ્પિકમાંથી બહાર ફેંકાતા લક્ષ્યની જીત અમાન્ય જાહેર કરાઇ હતી. આ મેચનું પરિણામ ઓલિમ્પિકમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે કેવિન કોર્ડન પર લક્ષ્યની જીતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અને હવે તેમને વધુ એક મેચ રમવાની છે. હવે લક્ષ્યને ગ્રુપ સ્ટેજની આગામી મેચ ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સાથે રમવાની છે. લક્ષ્ય એક માત્ર એકસ્ટ્રા મેચ રમનાર ખેલાડી હશે. બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં ટકી રહેવા માટે લક્ષ્યે ક્રિસ્ટીને હરાવવો પડશે.
નોંધનીય છે કે જો કેવિન કોર્ડન ઈજાના કારણે બહાર ન થયો હોત તો લક્ષ્યની આગામી મેચ સોમવારે બેલ્જિયમના જૂલિયન કેરેગી સામે રમવાની હતી પરંતુ આ મેચ પહેલા તેણે ક્રિસ્ટી સાથે મેચ રમવી પડશે.