જય શાહ-ઓલિમ્પિક્સના પ્રમુખની મુલાકાત, ક્રિકેટના કમબેકની ચર્ચા
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ના ચેરમેન જય શાહ સ્વિટ્ઝરલેન્ડમાં ઑલિમ્પિક ગેમ્સનું સંચાલન કરનાર ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી નાં પ્રમુખ કિર્સ્ટી કોવેન્ટ્રીને મળ્યા હતા અને તેમની સાથે ક્રિકેટ બાબતમાં ભરપૂર ચર્ચા કરી હતી. ખાસ કરીને, 2028ની લોસ ઍન્જલસ ઑલિમ્પિક્સથી ક્રિકેટના આ સૌથી મોટા રમતોત્સવમાં થનારાં પુનરાગમન બાબતમાં તેમણે એકમેકના વિચારો વ્યક્ત કર્યા હતા.
ક્રિકેટ સૌથી પહેલાં અને છેલ્લે 1900ની ઑલિમ્પિક્સમાં રમાઈ હતી અને ત્યાર પછી ક્રિકેટની મહાન રમતને અવગણવામાં આવી હતી. જોકે 128 વર્ષ બાદ હવે (2028માં) ક્રિકેટની રમત ઑલિમ્પિક ગેમ્સમાં કમબેક કરી રહી છે.
1900ની પેરિસ ઑલિમ્પિક્સમાં ક્રિકેટની માત્ર એક મેચ રમાઈ હતી અને ત્યાર બાદ 200 જેટલા દેશોના પ્રતિનિધિત્વ સાથે રમાતા આ રમતોત્સવમાંથી ક્રિકેટની રમતને અદૃશ્ય કરી નાખવામાં આવી હતી. જય શાહ આ વર્ષની શરૂૂઆતમાં ઑસ્ટ્રેલિયામાં પણ કોવેન્ટ્રીને મળ્યા હતા અને ત્યારે પણ ઑલિમ્પિક્સમાં ક્રિકેટના કમબેક વિશે તેમણે ઘણી ચર્ચા કરી હતી. જય શાહે એક્સ પર પોતાના હેન્ડલ પર લખ્યું છે આઇઓસીનાં પ્રમુખ કિર્સ્ટી કોવેન્ટ્રીને મળીને ખૂબ આનંદ થયો. અમે લોસ ઍન્જલસની 2028ની ઑલિમ્પિક્સથી ક્રિકેટના આ રમતમાં થનારા કમબેક બાબતમાં ખૂબ રસપ્રદ ચર્ચા કરી. અમે બન્ને એક વાત પર સંમત હતા કે ઑલિમ્પિક્સના વિકાસમાં ક્રિકેટની મહાન રમત ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવશે.
