જયસ્વાલની નિષ્ફળતા, ગિલમાં આત્મવિશ્ર્વાસનો અભાવ, ડિફ્રેન્સિવ મોડ,
લોડ્ર્ઝ ટેસ્ટમાં ભારતની હારના કારણો, એકમાત્ર રવિન્દ્ર જાડેજા અંત સુધી ઝઝૂમ્યા
લોર્ડ્ઝના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ટેસ્ટ મેચમાં ભારત -ઇંગ્લેન્ડ સામે 22 રનથી હારી ગયું છે. આ હાર સાથે ઇંગ્લેન્ડે શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી લીધી છે. ટીમ ઇન્ડિયાને જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેમાં રવિન્દ્ર જાડેજા અંત સુધી ક્રીઝ પર અડગ રહ્યા અને 61 રનની લડાયક ઇનિંગ રમી.
82 રનમાં 7 વિકેટ ગુમાવ્યા પછી પણ ટીમ ઇન્ડિયા મેચમાં ટકી રહી, જેનો સંપૂર્ણ શ્રેય જાડેજાને જાય છે. તેમ છતાં, ટીમ ઇન્ડિયા કેવી રીતે હારી? લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના ત્રણ સૌથી મોટા ખલનાયકો વિશે અહીં વિગતે જાણો.
ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી શ્રેણીની ચાર ઇનિંગ્સમાં 220 રન બનાવી ચૂક્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. જોકે, લોર્ડ્સ ટેસ્ટમાં, જ્યાં પીચ શ્રેષ્ઠ બેટ્સમેનોની પણ કસોટી કરવા માટે જાણીતી છે, ત્યાં જયસ્વાલ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. તેઓ લોર્ડ્સ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં માત્ર 13 રન જ બનાવી શક્યા. તેમની આ નિષ્ફળતાએ અન્ય ભારતીય બેટ્સમેનો પર જીત માટેનું દબાણ નોંધપાત્ર રીતે વધારી દીધું.
નાઇટ વોચમેન મોકલવાની મોટી ભૂલ: ચોથા દિવસે ઇંગ્લેન્ડનો બીજો ઇનિંગ 192 રન પર સમાપ્ત થયો. લોર્ડ્સની પીચ બેટિંગ માટે મુશ્કેલ બની ગઈ હતી, અને ચોથા દિવસના સ્ટમ્પ સુધીમાં ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. હકીકતમાં, ત્રણ વિકેટ પડ્યા પછી, ટીમ ઇન્ડિયાએ આકાશદીપને નાઇટ વોચમેન તરીકે બેટિંગ માટે મોકલ્યો, જે દિવસની છેલ્લી ઓવરમાં ક્લીન બોલ્ડ થયો હતો. નાઇટ વોચમેન મોકલવાનો આ નિર્ણય દર્શાવે છે કે ટીમ ઇન્ડિયા ડિફેન્સિવ મોડમાં આવી ગઈ હતી. ચોથા દિવસના અંતે, ઋષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી અથવા વોશિંગ્ટન સુંદરને પણ બેટિંગ માટે મોકલી શકાયા હોત.
ઇંગ્લેન્ડના બોલરોએ ચોથા દિવસે મેચ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવવાનું શરૂૂ કર્યું હતું, ત્યારે આક્રમક રીતે બેટ્સમેનને મોકલીને આ ચાલનો સામનો કરવો જોઈતો હતો. એક હકીકત છે કે ટીમના અન્ય ખેલાડીઓ જેમનો કેપ્ટન આત્મવિશ્વાસથી ભરેલો હોય છે, તેઓ પણ આત્મવિશ્વાસથી ભરેલા દેખાવા લાગે છે. પરંતુ લોર્ડ્સ ટેસ્ટમાં, કેપ્ટન શુભમન ગિલ પોતે જ દબાણ હેઠળ દેખાતો હતો. તેણે બંને ઇનિંગ્સમાં કુલ માત્ર 22 રન બનાવ્યા. બીજી ઇનિંગ્સમાં, ગિલે 9 બોલનો સામનો કર્યો હતો, જેમાં તે અડધાથી વધુ બોલ પર હાર્યો હતો. કેપ્ટનનું દબાણ હેઠળનું પ્રદર્શન ટીમના મનોબળ પર નકારાત્મક અસર કરે છે અને તે હારનું એક મહત્વનું કારણ બન્યું.
પોલ રિફ્રેલના અમ્પાયરિંગ સામે અશ્ર્વિન-કુબલેએ ઉઠાવ્યા સવાલ
લોર્ડ્સ ટેસ્ટમાં ખરાબ અમ્પાયરિંગ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને પોલ રિફેલના અમ્પાયરિંગ સામે માત્ર ભારતીય જ નહીં પરંતુ ભૂતપૂર્વ ઈંગ્લિશ ખેલાડીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પીન આર. અશ્વિને પોલ રીફેલ પર ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું કે, જ્યારે ભારત બોલિંગ કરે છે ત્યારે રિફેલને હંમેશા ઈંગ્લિશ ખેલાડી નોટઆઉટ લાગે છે, અને ભારત બેટિંગ કરે ત્યારે ભારતીય ખેલાડી હંમેશાં આઉટ જ લાગે છે! આ ઉપરાંત, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ પણ પોલ રિફેલના નિર્ણયોની ટીકા કરી. કોમેન્ટ્રી દરમિયાન કુંબલેએ કહ્યું, એવું લાગે છે કે પોલ રિફેલે નક્કી કરી લીધું છે કે કંઈ પણ આઉટ નહીં આપવું. જો નિર્ણય નજીકનો હોય, તો પણ નોટઆઉટ. ભૂતપૂર્વ ઇંગ્લિશ ખેલાડી જોનાથન ટ્રોટે પણ આ નિર્ણયો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું, રીઅલ-ટાઈમમાં જોતાં એવું લાગ્યું કે બોલ લેગ સ્ટમ્પને હિટ કરી રહ્યો છે. હું આશ્ચર્યચકિત છું કે આ નિર્ણય નોટઆઉટ આપવામાં આવ્યો.