ભારત-શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ઇટાલિયન ટીમ કવોલિફાય
નેધરલેન્ડસ સહિત 15 ટીમો ફાઇનલ, હજુ 5 ટીમોનો નિર્ણય બાકી
આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે, જેનું યજમાન ભારત અને શ્રીલંકાને આપવામાં આવ્યું છે. ઇટાલિયન ટીમ પણ આ ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ઇટાલીએ ટી20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયર 2025 દ્વારા આ મેગા ટુર્નામેન્ટમાં જગ્યા બનાવી છે. આ ક્વોલિફાયર ટુર્નામેન્ટ નેધરલેન્ડ્સના હેગમાં રમાઈ હતી. ઇટાલિયન ટીમ પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેશે. ઇટાલીની સાથે, નેધરલેન્ડ્સે પણ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે.
નેધરલેન્ડ્સ અને ઇટાલી ટી20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થનારી અનુક્રમે 14મી અને 15મી ટીમ છે. યજમાન દેશો ભારત અને શ્રીલંકા ઉપરાંત, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, યુએસએ, વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને કેનેડાને પણ આ ટુર્નામેન્ટ માટે એન્ટ્રી મળી હતી.
બાકીની 5 ટીમોનો નિર્ણય હજુ બાકી છે. 2 ટીમો આફ્રિકા ક્વોલિફાયર (19 સપ્ટેમ્બર-4 ઓક્ટોબર) દ્વારા પુરુષોના ટી20 વર્લ્ડ કપ 2026 માં પહોંચશે અને 3 ટીમો એશિયા-EAP ક્વોલિફાયર (1-17 ઓક્ટોબર) દ્વારા પહોંચશે. ઇટાલી ટી20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયર 2025 માં બીજા સ્થાને રહીને મેગા ઇવેન્ટમાં પ્રવેશ મેળવશે. બીજી તરફ, નેધરલેન્ડ્સે આ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જર્સીના પણ ઇટાલીની જેમ 5 પોઈન્ટ હતા, પરંતુ ઇટાલીને સારા નેટ-રન રેટને કારણે પ્રવેશ મળ્યો હતો. ઇટાલી તેમની છેલ્લી મેચમાં નેધરલેન્ડ્સ સામે 9 વિકેટથી હારી ગઈ હતી, છતાં ઇટાલી ( 0.612) નો જર્સી ( 0.306) કરતા સારો નેટ-રન રેટ હતો.