પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા મામલે વિરોધ ઉપર છલ્લો કે પ્રજાને ખરેખર વાંધો નથી?
એશિયા કપ 2025માં ગઇકાલે દુબઇમાં પાકિસ્તાની ટીમને હરાવી ભારતે શાનદાર વિજય મેળવ્યો. એ પછી સામાન્ય રીતે બન્ને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે પણ આ વખતે એવું ન થયું. ભારતીય કપ્તાન સુર્યકુમાર યાદવે આ બાબતનો ખુલાસો કરતાં કહ્યું કે અમુક વસ્તુ ખેલભાવનાની ઉપર હોય છે. યાદવની વાત સાચી છે પણ પાક. સાથે મેચ રમવા બાબતે ક્રિકેટબોર્ડ, સરકાર અને લોકોના બેવડા ધોરણો દંભ સામે આવ્યા છે એમાં બેમત નથી. મેચ પહેલાં મીડિયા અને સોશિયલ મીડિયા પર એવો જોરદાર પ્રચાર ચાલ્યો કે આ મેચનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને ભારત પાકિસ્તાન સામે રમે તેની સામે લોકોમાં ભારે આક્રોશ છે. કાશ્મીરમાં 22 એપ્રિલે પહલગામ હુમલો થયો તેમાં 30 ભારતીયોની હત્યા થઈ હતી. ભારતે આ હત્યાનો બદલો લેવા માટે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધરેલું.
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે, હજુ ઓપરેશન સિંદૂર ખતમ થયું નથી ને છતાં ભારત કેમ પાકિસ્તાન સામે રમી રહ્યું છે એવા સવાલ પણ ઊભા કરાયા. આ આક્રોશની નેતાઓ પર અસર પડી કે ના પ્રજા પર અસર પડી ને મેચ પતી પણ ગઈ કેમ કે ભારત પાકિસ્તાન સામે રમ્યું તેની સામે લોકોમાં આક્રોશ હોવાના દાવા થાય છે પણ આ આક્રોશ નેતાઓનાં નિવેદનો, મીડિયા અને સોશ્યલ મીડિયા સિવાય ક્યાંય દેખાતો નથી. આ દેશમાં 150 કરોડ લોકો છે અને પાકિસ્તાન સામે ભારત રમે તેનો વિરોધ હોય તો એક કરોડ લોકો તો બહાર નિકળીને તેનો વિરોધ કરે કે ના કરે ? સામાન્ય લોકો વિરોધ નથી કરી રહ્યાં તેનાં બે કારણ હોઈ શકે.
પહેલું કારણ માનસિક નામર્દાનગી અને બીજું કારણ લોકોને ખરેખર ભારત-પાકિસ્તાન રમે તેની સામે વાંધો નથી. સાચું કારણ શું છે એ ખબર નથી પણ લોકો રસ્તા પર ના ઉતર્યાં તેથી દેખીતો વિરોધ નથી એવું માનવું પડે. ચાર નેતા નિવેદનો આપે કે, સોશ્યલ મીડિયા પર 40 લાખ લોકો કોમેન્ટ્સ કરીને કશું પણ કહે તેના કારણે ભારત-પાકિસ્તાન મેચ સામે દેશભરમાં વિરોધ છે એવો ના કાઢી શકાય. રવિવારે સાંજે ભારત-પાકિસ્તાનની મેચ ચાલતી હતી ત્યારે ઓછામાં ઓછા એક કરોડ લોકો તો લાઈવ મેચ જોતા જ હતા.
સોશ્યલ મીડિયા મશીન છે ને મશીનને માણસો જ ઓપરેટ કરતા હોય છે તેથી ગમે તે મુદ્દાને ટ્રેન્ડ કરાવી શકાય છે. સોશ્યલ મીડિયા પર કરાતો વિરોધ નહીં પણ લોકો રસ્તા પર નિકળીને વિરોધ કરે એ જ અસલી વિરોધ છે ને અસર તેની જ પડે છે. ભારત-પાકિસ્તાન મેચ સામે કેટલાક ક્રિકેટરો અને પહલગામ હુમલામાં મોતને ભેટેલાં લોકોનાં સગાંએ પણ કર્યો છે. જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં તેમનો આક્રોશ અને પીડા સમજી શકાય તેમ છે પણ તેમણે એક વાસ્તવિકતાને સ્વીકારવાની જરૂૂર છે કે, આ દેશની પ્રજામાં તમારી પીડાને સમજવા જેટલી સંવેદના નથી અને તમારા વિરોધમાં સાથ આપવા જેટલી મર્દાનગી પણ નથી.